વિવાદ:શહેરમાં બે જૂથો વચ્ચે ધીંગાણું થયું, બંને જુથ વચ્ચે મારામારી થતાં પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઇ

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરના કડીયા પ્લોટ વિસ્તારમાં ગત શુક્રવારના રોજ રાત્રીના સમયે બે પરિવારો વચ્ચે પ્રાણઘાતક હથીયારો વડે સશસ્ત્ર ધીંગાણું થયું હતું જેમાં મહિલાઓ પણ સામેલ થઇ હતી અને બંને પક્ષોએ સામસામી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના કડીયા પ્લોટમાં પટેલ ઓઇલ મીલ સામે વિક્રમભાઇ માલદેભાઇ કારાવદરાના પાનની કેબીન પાસે ભરતસિંહ ઝાલા નામના શખ્સે ધાકધમકી આપીને કહ્યું હતું કે મારે અહીં તારી કેબીન પાસે દારૂ પીવો છે તારાથી થાઇ તે કરી લેજે ત્યારે વિક્રમભાઇએ તેને દારૂ પીવાની ના પડતા ભરતસિંહ ઝાલાએ તેમણે ઢીંકાપાટુનો માર માર્યો હતો.

તેમજ ભરતસિંહ ઝાલા તથા ઇન્દ્રજીતસિંહ ઝાલા, મનોહરસિંહ ઝાલા, મનો વાંકો, જયલો સોટીઅને પટુડો બારોટ નામના શખ્સો સાથે મળીને વિક્રમભાઇના ઘરમાં પ્રાણઘાતક હથિયારો સાથે ઘુસી ગયા હતા. તેમજ ઇન્દ્રજીતસિંહ ઝાલા નામના શખસે સાહેદ રાંભીબેનને ધક્કો મારીને પછાડી દીધેલ તથા સાહેદ લીરીને ઝાપટો મારી દીધી હતી. તેમજ ઘરમાં ઘુસી આવેલા આ તમામ શખશોએ ઘરના સામાનની તથા મોપેડમાં તોડફોડ કરીને રૂ. 12000 ની નુકસાની કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જયારે કે સામે પક્ષે ભરતસિંહ મેરૂભા ઝાલાએ એવી ફરિયાદ નોંધાવી છે કે વિક્રમભાઇ કારાવદરા ગણપતિ બાપાનો ફાળો ઉઘરાવતા હોય જે ફાળામાં ભરતસિંહે રસ લેતા હોવાનું જણાતા વિક્રમભાઇ કારાવદરા અને મુરૂભાઇ કારાવદરા નામના શખ્સોએ ગાળો દઇને ઝપાઝપી કરી હતી અને ભરતસિંહને માથામાં લોખંડનો સળિયો તથા ખંભામાં પાઇપ વડે હુમલો કરતા તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. આ અંગે બંને પક્ષોએ સામસામી પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે તમામ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના PI વી. પી. પરમારે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...