હાલાકી:પોરબંદરની સિવીલ હોસ્પિટલમાં 4 માસથી સિટી સ્કેન મશીન બંધ

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીએમસી રીન્યુ ન થતા સમસ્યા સર્જાઈ, દર્દીઓને હાલાકી પડી રહી છે

પોરબંદરના સિવિલ હોસ્પિટલમાં 4 માસથી સિટી સ્કેન મશીન બંધ હાલતમાં છે. સીએમસી રીન્યુ ન થતા સમસ્યા સર્જાઈ છે. જેથી દર્દીઓને હાલાકી પડી રહી છે. પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે છેલ્લા 4 માસથી ટ્રોમા સેન્ટર ખાતે આવેલ સિટી સ્કેન મશીન બંધ હાલતમાં છે. અગાઉ આ સિટીસ્કેન મશીન ટેકનિકલ ખામીને કારણે બંધ થતું હતું અને રિપેર બાદ શરૂ કરી દેવામાં આવતું હતું પરંતુ આ વખતે કોઈ ટેકનિકલ ખામીને કારણે નહિ પરંતુ સિટીસ્કેન મશીન કંપનીએ જ બંધ કરી દીધું હતું.

જે તે વખતે સિવિલ સર્જને જણાવ્યું હતુંકે, સરકાર દ્વારા કંપનીને રૂપિયા ભરવામાં ન આવતા કંપનીએ આ મશીનનો સોફ્ટવેર બંધ કરી દીધો છે જેથી મશીન બંધ છે. આ સિવિલ હોસ્પિટલ ખાતે જે દર્દીને માથામાં ઈજા પહોંચી હોય, લાંબા સમયથી માથામાં દુખાવો થતો હોય, કેન્સરની બીમારી, હ્રદયની બીમારી સહિતના દર્દીઓને અઠવાડિયામાં બુધવાર અને શુક્રવારે સિટી સ્કેન કરવામાં આવતું હતું. અઠવાડિયા દરમ્યાન 7 થી 10 દર્દીનું સિટી સ્કેન થતું હતું. આ ઉપરાંત ઇમરજન્સી દર્દીનું સિટી સ્કેન થતું હતું. અને જામનગરથી રિપોર્ટ આવતા હતા. હાલ છેલ્લા 4 માસથી સિટી સ્કેન મશીન બંધ હોવાના કારણે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છેકે, સીએમસી રીન્યુ ન થતા આ સમસ્યા સર્જાઈ છે જેને લીધે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.

દર્દીઓને ખાનગી ક્ષેત્રે જવું પડે
જિલ્લાની એકમાત્ર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સિટી સ્કેન મશીન છેલ્લા 4 માસથી બંધ હોવાથી દર્દીઓને ફરજીયાત ખાનગી ક્ષેત્રે સિટી સ્કેન માટે મસમોટા ખર્ચ ચૂકવવા પડે છે.

સીએમસી ની ગ્રાન્ટ મંજૂર થઈ
તે સમયે રૂ. 62 લાખની ગ્રાન્ટ હતી નહિ. સીએમસી ની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે અને કંપનીમાં રૂપિયા જમાં કરાવવાની પ્રોસેસ થઈ ગઈ છે. લેટર પણ થઈ ગયો છે જેથી બે ત્રણ દિવસમાં સિટી સ્કેન મશીન શરૂ થશે. > ડો. દક્ષાબેન પરમાર, ઇન્ચાર્જ આરએમઓ, સિવિલ હોસ્પિટલ, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...