હુકમ:માહિતી આયોગ દ્વારા શહેર મામલતદાર અર્જુન ચાવડાને 10 હજારનો દંડ ફટકાર્યો

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજદારોને સમયસર માહિતી ન આપી તેમજ કાયદાની જોગવાઇનું ખોટું અર્થઘટન કર્યું હતું
  • સ્વ ભંડોળમાંથી દંડની રકમ જમા કરવા હુકમ કર્યો

પોરબંદરમાં એક અરજદારે માહિતી અધિકાર મુજબ માહિતી માંગી હતી જેમાં શહેર મામલતદાર અર્જુન ચાવડાએ કાયદાની જોગવાઈનું ખોટું અર્થઘટન કરી, સમયસર માહિતી ન આપતા માહિતી આયોગ વારા મામલતદારને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે. બોખીરા તૂંબડા વિસ્તારમાં રહેતા ભરત ગોકળભાઈ પરમારે માહિતી અધિકાર 2005 હેઠળ 3 મુદ્દાની માહિતી માંગી હતી

જેમાં ખાપટ ગામમા સરકારી જમીન પર થયેલ પેશકદમી અંગે શુ કાર્યવાહી અને કોના દ્વારા કઈ તારીખે કામગીરી કરેલ તે અંગેની માહિતી માંગેલ હતી જેમાં શહેર મામલતદાર અર્જુન ચાવડા દ્વારા મુદ્દા 1 અને 2ની માહિતી બાબતે હાલ કચેરી ખાતેથી કેસના નિર્ણય અંગેની કાર્યવાહી ચાલુ હોય, મુદ્દા નં.3 કલેકટર કચેરીને લગતી હોય જેથી સંલગ્ન કચેરીએ અરજી કરવાની થાય છે તેવો પ્રત્યુતર આપેલો હતો.

અરજદારે આ અંગે અપીલ કરતા પ્રથમ અપીલ સતાધિકારી અને નાયબ કલેકટરે હુકમ કરેલ કે મુદ્દા નંબર 1 અને 2 પૈકીની માહિતી રેકોર્ડ આધારિત ઉપલબ્ધ માહિતી દિવસ 15મા અરજદારને પુરી પાડવા તથા હુકમની અમલવારી કરવા મામલતદારને જણાવ્યું હતું આમછતાં માહિતી ન મળતા આખરે અરજદારે માહિતી આયોગ ગાંધીનગર ખાતે અપીલ કરતા અરજદાર, મામલતદાર અને નાયબ મામલતદાર સાથે વિડિઓ કોંફરન્સ કરી, માહિતી આયોગના કમિશનર ડો. સુભાષ સોનીએ જણાવ્યું હતુંકે,

નિર્દિષ્ટ કરેલ સમયની અંદર ઇરાદાપૂર્વક અને જાણીબુજીને કાયદાની જોગવાઇનું અયોગ્ય અર્થઘટન કરીને અરજદારને માહિતી પૂરી પાડવામાં આવેલ નથી. પ્રથમ સતાધિકારીના હુકમનું પણ યોગ્ય રીતે પાલન કરેલ નથી. તેઓ સામે દંડનીય કાર્યવાહી શામાટે ન કરવી તેના જવાબમાં માત્ર શરતચુક સિવાયની કોઈ સ્પષ્ટતા રજૂ કરવામાં આવેલ નથી. આથી પોરબંદર શહેર મામલતદાર જાહેર માહિતી અધિકારી અર્જુન ચાવડાને રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પોતાના સ્વ ભંડોળ માંથી દિવસ 15મા જમા કરવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...