• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Citizens Will Pay Homage To Guru, Religious Ceremonies Will Be Held Here And There, Gurus Who Lead From Darkness To Light Will Be Honored Today

આજે ગુરૂ પૂર્ણિમાં:શહેરીજનો ગુરૂવંદના કરશે, ઠેરઠેર ધાર્મિક કાર્યક્રમો યોજાશે, અંધકારથી પ્રકાશ તરફ લઈ જનારા ગુરુઓનું આજે સન્માન થશે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે ગુરુ પૂર્ણિમા છે. પોરબંદર જિલ્લા વાસીઓ ગુરુમય બનશે. ઠેરઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અંધકારથી પ્રકાશ તરફ લઈ જનારા ગુરુઓનું આજે સન્માન થશે. શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. માત્ર ગુરુ જ શિષ્યોને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. ગુરુ શિક્ષકના રૂપમાં પણ હોય છે, ગુરુ ધાર્મિક રૂપમાં પણ હોય છે, મિત્ર પણ ગુરુ જેવો સાબિત થાય છે. સાચા માર્ગ તરફ દોરવામાં મદદ કરનાર માતા-પિતા, ભાઈ-બહેન કે આવી કોઈ પણ વ્યક્તિ આદરણીય છે અને ગુરુ સમાન છે.

ગુરુ પૂર્ણિમાનું ખુબજ મહત્વ છે. આજે તા. 13 જુલાઇનાં બુધવારે ગુરુ પૂર્ણિમા છે. અંધકારથી પ્રકાશ તરફ લઇ જનારા ગુરુઓનું સન્માન સાથે પૂજા કરવામાં આવશે. પોરબંદર જિલ્લામાં ઠેરઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ઠેરઠેર ગુરુનું પૂજન થશે. 5 દાયકાથી પણ વધુ સમયથી અખંડ રામધૂન મંદિર ખાતે સવારે ગુરુ પૂજન, આરતી અને બપોરે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. બાપાએ સીતારામ ધૂન મંડળ છાયા ખાતે બપોરે 3 થી 4 ગુરુપૂજન, 5 થી 7 બહેનો માટે સત્સંગ કાર્યક્રમ તેમજ બટુક ભોજન અને રાત્રે 9 થી 12 સુધી ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

વિવિધ મંદિરોમાં ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે તો શાળાઓ ખાતે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવશે. વોરાવાડ વિસ્તારમાં આવેલા લાલબતીવાળા મામાદેવનું મંદિર આવેલું છે. લાલબતીવાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ગુરૂ પૂર્ણિમાના દિવસે આ સંસ્થાના 18 વર્ષ પૂર્ણ થતા દંતયજ્ઞ કેમ્પ અને રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટના ડોકટર જયસુખ મકવાણા જાલંધર પધ્ધતિથી ઈન્જેકશન વગર દાંત કાઢી આપશે.

તે ઉપરાંત ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર અને રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રકતદાતાઓને પ્રોત્સાહિત ઈનામ પણ આપવામાં આવશે. આ ઉપરાંત મહાપ્રસાદી, બટુક ભોજન અને કથા અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વાસીઓ ગુરુમય બની ગુરુનું પૂજન કરશે.

પોરબંદરની સંસ્થા દ્વારા ગુરૂપુર્ણિમાંના દિવસે અનેકવિધ સેવા કાર્ય યોજાશે
વોરાવાડ વિસ્તારમાં મામાદેવનુ મંદિર આવેલું છે. આ મંદિર ખાતે દર ગુરૂવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મામાદેવના દર્શન માટે આવે છે, અને અહીં દર ગુરૂવારે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે. મામાદેવના સેવકો દ્વારા આજ થી 18 વર્ષ પૂર્વે લાલબત્તીવાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના ગુરૂપૂર્ણિમાંના પવિત્ર દિવસે કરી હતી. આ ગુરૂપૂર્ણિમાં એટલે કે તા.13 જુલાઇને બુધવારે 18 વર્ષ પુર્ણ કરી અને ૧૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. આ દિવસે જરૂરિયાતમંદ દર્દીઓ માટે દંતયજ્ઞ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ લાલબત્તીવાળા મામાદેવના મંદિરે સવારે 9 થી 1 વાગ્યા સુધી યોજાશે. જેમાં રાજકોટના જાણીતા ડો. જયસુખભાઇ મકવાણા ઝાલંધર પદ્ધતિથી ઇન્જેકશન વીના દુ:ખાવા વગર દાત કાઢી આપશે. ઉપરાંત ડાયાબીટીશ અને બ્લડ પ્રેશરના ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ દર્દીઓએ પોતાના જુના કેસ પેપર સાથે લાવવાના રહેશે. અને રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવમાં આવ્યું છે. થેલેસેમિયા પીડીત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે ભાવસહજી સરકારી હોસ્પિટલના સહયોગથી આ રક્તદાન કેમ્પ યોજાશે. આ રક્તદાન કેમ્૫માં રક્તદાતાઓએ ભેટ આપવામાં આવશે. ગુરૂપૂર્ણિમા નિમિતે સાંજે 4 કલાકે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું છે, તેમજ સાંજે 7-30 કલાકે આરતી તથા મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાશે.

રબારી સમાજ દ્વારા સંત શ્રી વીરા ભગતના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમાંની ઉજવણી કરાશે
​​​​​​​પોરબંદરમાં આવેલ ઓડદર સિરોડા ધાર ખાતે સંત શ્રી વીરા ભગતના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત રબારી સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ગુરુપૂર્ણિમા પ્રસંગે રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. રબારી સમાજના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવશે. આ તકે મોટી સંખ્યામાં રબારી સમાજના લોકોને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું હતું.

પિતા શ્રેષ્ઠ ગુરૂ છે : યુવા વર્ગ
બાળક પિતાની આંગળી પકડીને ચાલે છે. પિતા જીવનના પાઠ શીખવે છે અને પિતાની છત્રછાયા નીચે બાળક ક્યારેય ડરતું નથી. પિતાને જ આજના યુવાનો પોતાના હીરો માને છે. યુવા વર્ગ સાથે વાતચીતમાં જણાવ્યું હતુંકે પિતા જ શ્રેષ્ઠ ગુરુ છે.

સત્યનારાયણ મંદિરમાં કથા યોજાશે
​​​​​​​પોરબંદરમાં સત્યનારાયણ ભગવાનના મંદિર ખાતે અવારનવાર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે અહીં ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસંગ યોજવામાં આવશે. આગામી તારીખ ૧૩ જુલાઈને બુધવારના દિવસે બપોરે ચાર કલાકે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.પોરબંદર શહેરમાં એસવીપી રોડ પર આવેલ હિતેશ કારિયા ટિફિન સેવા ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થયું છે. જેમાં બેસવા ઇચ્છતા ધર્મપ્રેમીજનોને આયોજક હિતેશ કારિયા ટિફિન સેવા કાર્યાલય ખાતે નામ નોંધાવવા જણાવવામાં આવ્યું છે. રઘુવંશી એકતા લેડી ક્લબ અને હેપી લેડી કલબ દ્વારા આયોજન થઈ રહ્યું હોવાનું હિતેશભાઈ કારિયાએ જણાવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા નયનાબેન સીમરીયા, ક્રિષ્નાબેન પોપટ, વિભાબેન લાલચેતા, ભૂમિબેન કારિયા, અલકાબેન દત્તાણી, શીતલબેન કટારા સહિતના મહિલા અગ્રણીઓ જેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...