પુનર્વસન:આવતીકાલે બરડા અભયારણ્યમાં ચિતલ પુનઃસ્થાપન કાર્યક્રમ અંતર્ગત 50 ચિતલ જંગલમાં મુક્ત કરાશે

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

192.31 ચો. કિ.મી. વિસ્તાર ધરાવતા પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પથરાયેલા જંગલને વર્ષ:-1979 માં વન્યપ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ છે. બરડા અભયારણ્યમાં વેણુ, આભાપરો, કાનમેરો, માલક વગેરે શિખરો આવેલા છે. ખંભાળા ડેમ, ફોદાળા ડેમ, ગુલાબસાગર, રાણાસર, સતસાગર જેવા જળાશયો આવેલા છે. કિલેશ્વર મહાદેવ તથા ઘૂમલી ખાતેના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો બરડા જંગલમાં આવેલા છે. સાતવીરડા નેશ ખાતે ચિતલ બ્રિડિંગ સેન્ટર આવેલ છે.

હાલમાં 150 જેટલા ચિતલ આ બ્રિડિંગ સેન્ટરમાં આવેલા છે. બરડા અભયારણ્યમાં પુનર્વસન માટે અત્યાર સુધીમાં કુલ-216 ચિતલને ખુલ્લા જંગલમાં છોડવામાં આવેલ છે. આજે તા.7 ઓકટોબરના રોજ ગુજરાત રાજ્યના ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન બરડા અભયારણ્યની મુલાકાત લેનાર છે. હાલમાં વન્યપ્રાણી સપ્તાહ તથા આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહેલ છે જે અંતર્ગત આવતીકાલે 8 ઓકટોબરના રોજ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકની ઉપસ્થિતિમાં 50 ચિતલ ખુલ્લા જંગલમાં મુક્ત કરાશે. બરડા અભયારણ્યમાં સાતવીરડા નેશ નજીક લાયન જીનપુલ આવેલ છે.

વિવિધ વિસ્તારમાંથી પસંદ કરાયેલ નર તથા માદા સિંહ આ સ્થળે લાવી સંવર્ધન કરવામાં આવે છે. સાતવીરડા જિનપુલ ખાતે જન્મેલ 10 સિંહબાળને સકકરબાગ ઝૂ ખાતે મોકલવામાં આવેલ છે. બરડા અભયારણ્યમાં હરણની બે પ્રજાતિઓ ચિતલ તથા સાબર (સાંભર) ના પુનર્વસન માટે કાર્યક્રમ ચાલે છે. સાબરએ ગુજરાતમાં જોવા મળતા 3 પ્રકારના હરણમાં સૌથી મોટું હરણ છે. કિલેશ્વર નજીક આવેલ ધોરાધુના નેશ ખાતે સાબર બ્રિડિંગ સેન્ટર આવેલ છે. જ્યાં હાલમાં 49 સાબરનું સંવર્ધન થઈ રહેલ છે.

બરડા અભ્યારણ્યમાં 759 જાતની ઔષધિઓ છે
બરડા અભયારણ્યમાં 759 જાતની ઔષધીઓ નોંધાયેલી છે, જેમાં મુખ્યત્વે રાયણ, ટીંબરું, જાંબુ, ગોરળ, હરમો, આંબલી, દૂધલો વગેરે છે. આયુર્વેદિક રીતે મહત્વ ધરાવતા ગૂગળ, આંબળા, માલણ, ગરમાળો તથા વિવિધ જાતોના વેલાઓ તથા છોડ આવેલા છે.

અભ્યારણ્યમાં 22 પ્રકારના સસ્તન પ્રાણીઓ આવેલા છે
બરડા અભ્યારણ્યમાં દીપડા, ઝરખ, શિયાળ, લોકડી ઘોરખોદીયા વગેરે 22 પ્રકારના સસ્તન પ્રાણીઓ આવેલા છે. આ ઉપરાંત 269 પ્રકારના પક્ષીઓ નોંધાયેલા છે. બરડા અભયારણ્યમાં 26 પ્રકારના સાપ અને સરિસૃપો તથા 55 પ્રકારના પતંગિયાઓ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...