ઉમ્મીદ:નિઃસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ માટે વિનામૂલ્યે ટેસ્ટિંગ અને સારવાર મળશે

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી લેડી હોસ્પિટલ ખાતે ઈન ફર્ટીલીટી ક્લિનિક શરૂ થશે, મેડિકલ કોલેજના ડીને ગાયનેકોલોજી તબીબની નિમણૂંક કરી

નિઃસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ માટે વિનામૂલ્યે ટેસ્ટિંગ અને સારવાર મળશે. સરકારી લેડી હોસ્પિટલ ખાતે ઈન ફર્ટીલીટી ક્લિનિક શરૂ થશે. મેડિકલ કોલેજના ડીને ગાયનેકોલોજી તબીબની નિમણુંક કરી છે. ખોળાનો ખૂંદનાર અવતરે તેના માટે દરેક નિઃસંતાન દંપતી પ્રાર્થના કરતા હોય છે અને લગ્ન ને થોડા વર્ષ વિતી જાય છતાં સંતાન પ્રાપ્તિ ન થાય તો દંપતી ધાર્મિક સ્થળે જઈને માથું ટેકવે અને માનતા માનતા હોય છે.

ખાસ કરીને ગરીબ પરિવારના નિઃસંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે ખાનગી હોસ્પિટલ ખાતે જાય તો ટેસ્ટ અને સારવારમાં વધુ ખર્ચ આવે છે અને આ ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ હોવાથી કેટલાક દંપતીઓ અંધ શ્રદ્ધામાં પણ ફસાઈ જતા હોય છે ત્યારે મેડિકલ કોલેજના ડીન સુશીલ કુમારના પ્રયાસથી પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલ ખાતે અઠવાડિયામાં 2 દિવસ ખાસ ઈન ફર્ટીલીટી ક્લિનિક શરૂ થવા જઇ રહી છે. જેમાં આવતા અઠવાડિયેથી દર શુક્રવારે અને શનિવારે સવારે 8 થી 10 આ ક્લિનિક શરૂ થશે.

મેડિકલ કોલેજના ડીને ગાયનેકોલોજી ડો. વિશાખાબેન લાખાણીની નિમણુંક કરી છે. આ તબીબ ઈન ફર્ટીલીટી ક્લિનિક ખાતે ઓપીડી સંભાળશે અને નિઃસંતાન દંપતીના જરૂરી ટેસ્ટ કરી આવા નિઃસંતાન દંપતીના ઘરે પારણું બંધાય તે પ્રકારની સારવાર કરશે. આ ટેસ્ટ અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. રૂપિયાના અભાવે નિઃસંતાન દંપતીઓ સારવાર નથી કરાવી શકતા તેવા દંપતીઓને આ ક્લિનિક દ્વારા ફાયદો થશે.

ખાનગી હોસ્પિટલ ખાતે કેટલો ખર્ચ થાય?
લગ્ન જીવનના અમુક વર્ષ બાદ પણ સંતાન પ્રાપ્તિ ન થાય ત્યારે દંપતી સંતાનની આશાએ ખાનગી હોસ્પિટલ જાય તો જાણવા મળતી વિગત મુજબ ખાનગી ક્ષેત્રે દંપતીના ટેસ્ટ અને સારવાર માટે રૂ. 50 હજાર થી રૂ. 3 લાખ સુધીનો ખર્ચ આવે છે. લેડી હોસ્પિટલ ખાતે ટેસ્ટ અને સારવાર વિના મૂલ્યે થશે.
કેવા પ્રકારની સારવાર અને ટેસ્ટ થશે?
ડો. વિશાખાબેન લાખાણીએ જણાવ્યું હતુંકે, લેડી હોસ્પિટલ ખાતે હોર્મોનલ ટેસ્ટ, વંધ્યત્વ તકલીફ, સ્ત્રી બીજ ન બનતા હોય, બેઝિક સમસ્યા, સીમેનમાં નાની મોટી તકલીફ, શુક્રાણુ સંખ્યા સહિત નિઃસંતાન દંપતીને સંતાન ન રહેતા હોય તેવા દંપતીના વિવિધ ટેસ્ટ અને સારવાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...