થેલેસેમિયાના રોગ અંગે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી તા.8મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ રોગ જન્મજાત છે. સ્વસ્થ વ્યકિતમાં રકતકણનું આયુષ્ય 100 થી 120 દિવસનું હોય છે.ત્યાર બાદ રકતકણ ફરીથી બને છે. જયારે થેલેસેમિયા ગ્રસ્તમાં રકતકણનું આયુષ્ય 60 થી 100 દિવસનું હોય છે. આમ, રકતકણનું આયુષ્ય ટુંકુ હોવાથી હીમોગ્લોબીન બનતુ નથી.આ અંગે આશા ચિલ્ડ્રન હોસ્પિટલના લેબ સંચાલક કમલ શર્મા અને આશિષ થાનકીએ જણાવ્યું હતું જે, થેલેસેમિયા માઇનોર હોય તે વ્યકિત થેલેસેમિયાગ્રસ્ત દર્દી ગણાતો નથી.
પરંતુ જો થેલેસેમિયા માઇનોર યુવાન થેલેસેમિયા માઇનોર વાળીજ યુવતી સાથે લગ્ન કરે તો તેમનું સંતાન મેજર થેલેસેમિયાગ્રસ્ત જન્મી શકે છે. માટે થેલેસેમિયા અટકાવવા માટે લગ્ન સમયે યુવક-યુવતીની જન્મ-કુંડળી નહી પરંતુ બ્લડ રિપોર્ટ મેળવવો જોઈએ. 210 જેટલા થેલેસેમિયાના દર્દીઓ આશા હોસ્પિટલ ખાતે નોંધાયેલ છે અને તેમને નિ:શુલ્ક લોહી આપવામાં આવે છે.
આશા હોસ્પિટલ ખાતે થેલેસેમિયાના દર્દીની 21 વર્ષથી વિનામૂલ્યે રક્ત આપી સેવા કરવામાં આવી રહી છે. દર માસે 255 થી 300 બોટલ રક્ત થેલેસેમિયા દર્દીને આ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે. થેલેસેમિયાગ્રસ્ત દર્દી ને હવે સરકાર તરફથી વિકલાંગતા નું સર્ટીફીકેટ આપવામાં આવે છે જેથી સરકાર ની યોજનાનો લાભ મેળવી શકે છે.
ત્રણ દર્દીએ ઉચ્ચ અભ્યાસ કર્યો
આશા હોસ્પિટલના સંચાલક આશિષ થાનકીએ જણાવ્યું હતુંકે, સામાન્ય રીતે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને અભ્યાસ કરવા માટે વાલીઓ આગળ આવતા નથી. વાલીઓએ આવા બાળકોને અભ્યાસ કરાવવો જરૂરી છે. અહીં નોંધાયેલ ત્રણ થેલેસેમિયાગ્રસ્ત બાળકોએ ઉચ્ચ અભ્યાસ કર્યો છે અને ડોકટર, એન્જીનીયર તથા પ્રોફેસર બનશે.
થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની સંખ્યા ઘટી
આશા હોસ્પીટલના સંચાલકોએ જણાવ્યું હતુંકે, થેલેસેમિયા રોગ અંગે સમાજમાં જાગૃતિ આવી છે. ખાસ કરીને લોહાણા સમાજ અને ખારવા સમાજ દ્વારા થેલેસેમિયા અંગેનો યુવક યુવતીનો રિપોર્ટ ફરજિયાત કર્યો છે અને ત્યાર બાદ જ લગ્ન માટે વાડી આપવામાં આવે છે. જેથી આ અંગે જાગૃતિ ફેલાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.