કામગીરી:પોરબંદરમાં પશુ પકડવાની કામગીરી ચૂંટણી પ્રક્રિયા બાદ પણ શરૂ કરાઇ નહિ

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં સાહેબને પૂછીને કામગીરી શરૂ કરશું - ટીમ

પોરબંદરમાં પશુ પકડવાની કામગીરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ શરૂ કરવામાં આવી નથી. શહેરમાં આખલાનો ત્રાસ વધ્યો ત્યારે હવે બે દિવસમાં સાહેબને પૂછીને કામગીરી શરૂ કરશું તેવું ટીમ દ્વારા જણાવાયું છે.

પોરબંદરમાં પશુ પકડવાની કામગીરીમાં તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરું છું તેવી સ્થિતિ નિર્માણ પામી છે. રાજ્ય સરકારના આદેશ બાદ પોરબંદર પાલિકા તંત્રની ટીમ દ્વારા શહેરમાં રસ્તે રઝળતા પશુ પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને કુલ 92 જેટલા પશુને પકડી ઓડદર સ્થિત પાલિકા હસ્તકની ગૌશાળા ખાતે મૂકવામાં આવ્યા હતા. બાદ આ કામગીરી બંધ કરવામાં આવી હતી.

છેલ્લા દોઢેક માસ સુધી પશુ પકડવાની કામગીરી બંધ રહ્યા બાદ ફરી પાલિકાની ટીમે આખલા પકડવાની કામગીરી શરૂ કરી ત્રણ દિવસમાં વધુ 25 જેટલા પશુને પાંજરે પૂરી ઓડદર સ્થિત ગૌશાળા ખાતે મૂકી આવવામાં આવ્યા છે. આ કામગીરી પોલીસને સાથે રાખીને કરવામાં આવી હતી.

દિવાળી તહેવાર દરમ્યાન આ કામગીરી બંધ રાખવામાં આવી હતી અને તહેવાર બાદ પશુ પકડવાની કામગીરી પોલીસને સાથે રાખીને શરૂ કરવામાં આવશે તેવું ટીમે જણાવ્યું હતું. તહેવાર પૂરા થયા બાદ પણ કામગીરી શરૂ કરવામાં આવી ન હતી અને બાદ ચૂંટણી જાહેર થતા આ કામગીરી ટલ્લે ચડી હતી.

હવે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ આખલા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી અને હવે બે દિવસ બાદ આખલા પકડવાની કામગીરી સાહેબને પૂછીને શરૂ કરશું તેવું ટીમે જણાવી દીધું છે. મહત્વની વાત એ છેકે, શહેરમાં આખલા નો ત્રાસ વધ્યો છે. આખલા યુદ્ધે ચડે છે અને દોડાદોડ કરે છે. લોકો આખલા હડફેટે ઈજાગ્રસ્ત બની રહ્યા છે ત્યારે યુદ્ધના ધોરણે આખલા પકડવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...