સાવધાન:પોરબંદરમાં સુપરબગના ઇન્ફેકશનના કેસ સામે આવ્યા : બાળ રોગ નિષ્ણાંત

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એન્ટી બાયોટીક દવાનો આડેધડ ઉપયોગ આવનારી પેઢી માટે હાનીકારક : વાયરલ બીમારીમાં એન્ટી બાયોટીક દવાની જરૂર રહેતી નથી
  • કોઇ પણ બીમારી દરમ્યાન ડોક્ટરની સલાહ વિના મેડિકલમાંથી દવા લેવી નહીં
  • 70 ટકા કેસ વાયરલ હોય છે અને 30 ટકા કેસમાં અેન્ટી બાયોટીક દવાની જરૂર હોય છે

પોરબંદરમાં સુપરબગ કેસ સામે આવ્યા છે. આમતો સુપરબગના કેસ હજુ ઓછા જોવા મળે છે પરંતુ આ કેસ બાળકોમાં આવ્યા છે. બાળ રોગ નિષ્ણાંત ડો. જય બદિયાણીએ જણાવ્યું છેકે, ન્યૂમોનિયા થયેલ બાળકોને ન્યૂમોનિયાની એન્ટી બાયોટીક દવા આપવા છતાં પણ દવાની અસર થતી ન હતી જેથી બ્લડ ટેસ્ટ કરાવતા બાળકને સુપરબગનુ ઇન્ફેક્શન થયાનું સામે આવ્યું હતું. સામાન્ય રીતે લોકોને તાવ આવે કે શરદી ઉધરસ થાય ત્યારે એન્ટી બાયોટીક દવા પોતાની જાતે મેડિકલ સ્ટોર માથી ખરીદીને દવા લેતા હોય છે જે અતિ નુકશાન કારક છે.

કારણકે, જો વાયરલ રોગ હોય તો તેમાં બાયોટીક દવાની જરૂર રહેતી નથી અને આ દવાથી કોઈ ફાયદો થતો નથી. 70 ટકા કેસ વાયરલ હોય છે અને 30 ટકા કેસમાં એન્ટી બાયોટીક દવાની જરૂર હોય છે. મહત્વની વાત એછેકે, એન્ટી બાયોટીક દવાની જરૂર ન હોવા છતાં આ દવા લેવાથી જીવાણુ પ્રતિકારક દ્રવ્ય ઉત્પન્ન કરે છે.

જેથી ભવિષ્યમાં એ દવા સામે શરીરમાં રહેલ જંતુ દવાના ડોઝનો પ્રતિકાર કરે છે અને એ દવા અસર કરતી નથી. મોટાભાગના લોકો દવાનો કોર્સ પૂરો કરતા નથી જેથી શરીરમાં રહેલા જંતુઓ ઓછા થાય છે પરંતુ સંપૂર્ણ નાશ પામતા નથી. અને આ જંતુઓ એ દવાનો સામનો કરે છે જેથી નવી એન્ટી બાયોટીક દવા આપવી પડે છે જે અસર કરતી નથી અને સુપરબગ ઇન્ફેક્શન થાય છે. આથી કોઈપણ બીમારી દરમ્યાન ડોકટરની સલાહ વિના જાતે જ મેડિકલ માંથી એન્ટી બાયોટીક દવા લેતા પહેલા સો વખત વિચાર કરવો રહ્યો અન્યથા પસ્તાવાનો વારો આવી શકે છે.

સુપરબગ ઇન્ફેક્શન કેસમાં શું થાય?
એન્ટી બાયોટીક દવા લિમિટેડ છે. આડેધડ રીતે લોકો એન્ટી બાયોટીક દવા લે છે અને કોર્સ પૂરો કરતા નથી જેથી શરીરના જંતુ જીવિત રહે છે અને ફરીથી બીમારી સમયે અગાઉની એન્ટી બાયોટીક દવા અસર કરશે નહિ જેથી નવી દવા આપવી પડે અને એ પણ અસર ન કરે ત્યારે સુપરબગ કેસ સામે આવે છે અને બીમારીનો ઉપાય ન હોય જેથી દર્દીનું મોત પણ થઈ શકે છે તેવું ડો. જય બદિયાણીએ જણાવ્યું હતું.

હાલના બાળ દર્દીને કઈ સારવાર અપાઈ?
પોરબંદરમાં ન્યૂમોનિયા બાળ દર્દીમાં સુપર બગ ના કેસ સામે આવ્યા છે તેમને રોગ પ્રતિકારક શકિત ઓછી હોય અને સામાન્ય એન્ટિ બાયોટિક દવા લાગુ પડી ન હતી અને માત્ર એક જ દવા સેન્સિટિવ જણાય છે જેથી આવા કેસમાં 14 થી 21 દિવસનો ઇન્જેક્શનનો કોર્સ કરવામાં આવે છે તેવું તબીબે જણાવ્યું છે.

શું કાળજી રાખવી?

  • કોઈપણ બીમારીમાં જાતે મેડિકલ માંથી દવા ન લેવી,
  • ડોકટર એન્ટી બાયોટીક દવા લખે તો તેનો કોર્સ પૂરો કરવો જોઈએ.
  • સારું થતા અધૂરો કોર્સ ન કરવો,
  • ડોકટરે અગાઉ જે બીમારીમાં દવા લખી હોય તે જ દવા અગાઉના લક્ષણો હોવા છતાં પોતાની રીતે એ જ દવા લેવી જોઈએ નહિ.
  • વાયરલ તાવમાં એન્ટી બાયોટીક દવા લેવી એ હાનીકારક છે.

> ડો.જય બદિયાણી, બાળરોગ નિષ્ણાંત

અન્ય સમાચારો પણ છે...