રજૂઆત:રૂપિયાના જોરે હથિયારના લાયસન્સ ધરાવતા શખ્સોના લાયસન્સ રદ કરો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊંડી તપાસ કરવામાં આવે તેવી સામાજિક આગેવાને કલેક્ટરને રજૂઆત કરી

પોરબંદર જિલ્લામાં કેટલાક શખ્સો ફક્ત રૂપિયાના જોરે તેમજ સીનસપાટા કરવા ખાતર હથિયાર લાયસન્સ ધરાવે છે અને રિવોલ્વર રાખી ફરતા હોય છે. આવા શખ્સના લાયસન્સ રદ કરવામાં આવે તેવી સામાજિક આગેવાને કલેકટરને રજૂઆત કરી છે. પોરબંદર શહેરી અને જિલ્લા વિસ્તારમાં મોટાભાગના શખ્સો સ્વરક્ષણના હથિયાર લાયસન્સ ધરાવે છે. જેમાના મોટાભાગના શખ્સો ફકત રિવોલ્વર કમરમાં લટકાડી સીનસપાટા ખાતર રિવોલ્વર લાયસન્સ મેળવે છે. આવા મોટાભાગના શખ્સો કે જેમાના કોઈ કોન્ટ્રાકટ ચાલતા નથી કે કોઈ મોટી લેવડ-દેવડ કાયમી થતી નથી અગર તો કોઈ સાથે વાંધા, તકરાર નથી. ફક્ત રૂપિયાના જોરે તેમજ સીનસપાટા કરવા ખાતર હથિયાર લાયસન્સ ધરાવે છે. જેમાના મોટાભાગના શખ્સોની કોઈ લાયકાત નથી અગર તો એવી કોઈ મોટી સ્થાવર-જંગમ મિલ્કતો નથી. જેથી હથિયાર લાયસન્સ ધરાવતા લોકોની ઊંડી તપાસ થવી જોઈએ તેમજ આવા તત્વો કોઈ અસામાજીક તત્વો સાથે સંકળાયેલ છે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ. ઉપરાંત આવા બીનજરૂરી હથિયારના પરવાના ધરાવતા હોય તેના લાયસન્સ તાત્કાલીક અસરથી રદ કરવા જોઈએ તેવી સામાજિક આગેવાન જયેશભાઈ સવજાણીએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ માંગણી સાથે રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છેકે, જિલ્લામાં કેટલા હથિયાર લાયસન્સ ધારક છે અને કયા કારણે લાયસન્સ માંગવામાં આવેલ અને મંજૂર સહિત આ અંગે જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ આરટીઆઈ મુજબ દરેક લાયસન્સ ધરાવતા શખ્સોની માહિતી તેમજ લાયકાત અંગેના પુરાવાની તપાસ કરવા માંગણી પણ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...