પોરબંદર જિલ્લામાં 2025 સુધીમાં ખેતીવાડી સિવાયના તમામ મીટરો પ્રિપેઇડ સ્માર્ટ વીજ મીટરથી સજજ થશે. બે તબક્કામાં કામગીરી થશે જેમાં જૂના મીટરો ભંગારમાં જશે તેમજ નવા મીટર માટે ગ્રાહકોને ચાર્જ ચૂકવવો નહિ પડે તેવું જણાવ્યું હતું.
વીજ તંત્ર પણ ડિજિટલ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. ત્યારે હવે કેન્દ્ર સરકારની RDDS યોજના હેઠળ કામગીરી થશે. જેમાં પોરબંદરમાં મેં મહિનાથી પીજીવીસીએલ દ્વારા નવા પ્રિપેઇડ સ્માર્ટ વીજ મીટર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે જેમાં કોર્પોરેટ લેવલે ટેન્ડર પ્રક્રિયા કામગીરી પ્રોસેસ માં છે અને એજન્સી ફાઇનલ થયા બાદ કામગીરી શરૂ થશે. પોરબંદર જિલ્લામાં ખેતીવાડી સિવાયના તમામ મીટરો પ્રિપેઇડ સ્માર્ટ વીજ મીટર થી સજજ થશે અને સૌથી પહેલા પીજીવીસીએલ ટ્રાન્સફોર્મરમાં લાગશે. 2025 સુધીમાં રહેણાંક, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, સરકારી ઓફિસો સહિતના સ્થાને જૂના મીટર કાઢી પ્રિપેઇડ સ્માર્ટ વીજ મીટર મૂકવામાં આવશે. બે તબક્કે કામગીરી થશે. ઉતારેલા તમામ જૂના મીટરો ભંગારમાં જશે જ્યારે નવા પ્રિપેઇડ સ્માર્ટ વીજ મીટર માટે ગ્રાહકોને કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહિ તેવું પોરબંદર વર્તુળ કચેરીના નાયબ ઇજનેર એચ. ડી. કોડિયાતરે જણાવ્યું હતું.
પ્રિપેઇડ સ્માર્ટ વીજ મીટરથી શું ફાયદો થશે?
વીજ બિલ ભરવાની ઝંઝટ માંથી મુક્તિ મળશે. ગ્રાહકોને લાઈનમાં બિલ ભરવા ઉભવું નહિ પડે, મોબાઈલ ફોનની જેમ વીજ યુનિટ માટે રિચાર્જ કરી શકાશે. એપ્લિકેશન માં ગ્રાહક પોતાના વીજ યુનિટ વપરાશ જાણી શકશે અને તે પ્રમાણે રિચાર્જ કરી શકશે, વપરાશ પ્રમાણે રિચાર્જ કરી શકાશે અને એડવાન્સ રૂપિયા ભરી શકશે. મીટર રીડર ને ઘરે ઘરે જવું નહિ પડે, વીજ લોસ અને વીજ ચોર પણ અટકશે.
બે તબક્કામાં કેટલા નવા મીટર લાગશે?
2025 સુધીમાં ખેતીવાડી સિવાયના તમામ જૂના મીટર માં નવા પ્રિપેઇડ સ્માર્ટ વીજ મીટર મૂકવામાં આવશે જેમાં પ્રથમ તબક્કે જિલ્લામાં 83338 મીટર અને બીજા તબક્કે 75153 મીટર લગાવવામાં આવશે. 2025 સુધીમાં કુલ 158491 મીટર લગાવવામાં આવશે.
બાકી રહેતા એરિયામાં વાયરો અંડર ગ્રાઉન્ડ થશે
નાયબ ઇજનેર એચ. ડી. કોડિયાતરે જણાવ્યું હતુંકે, શહેરી વિસ્તારમાં વીજ વાયરો અંડર ગ્રાઉન્ડ કર્યા છે ત્યારે કેટલાક શહેરી વિસ્તારમાં બાકી રહેલા એરિયામાં પણ અંડર ગ્રાઉન્ડ વાયરો નાખવાની કામગીરી કરવામાં આવશે.
ખુલ્લા વાયરો કોટેડ થશે
પીજીવીસીએલ તંત્રએ જણાવ્યું હતુંકે, જ્યોતિગ્રામ ફીડર અને અમુક અર્બન ફીડર જે બાકી રહેલ હોય તેવા 550 કિમી કોસ્ટલ વિસ્તારમાં જે ખુલ્લા વાયરો છે તેમાં MVCC કંડકટ વાયરો મૂકવાની કામગીરી કરવામાં આવશે જેથી વિજલોસ ઘટશે, વાયરો કોટેડ થશે જેથી પાવર ફોલ્ટ નહિ સર્જાય અને વાયરો તૂટશે નહિ, મેન્ટનન્સ ઓછું થશે, વીજ અકસ્માત ઘટશે અને કન્ટીન્યું પાવર મળતો રહેશે જેથી MVCC વાયર નાખવાની કામગીરી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.