રાજ્યભરમાં 16 મી માર્ચથી ડીઝલના ભાવમાં અસહ્ય ભાવવધારો કરી દેવાતા માછીમારોએ સરકારી પંપમાંથી ડીઝલ ખરીદવાનું બંધ કરી દીધું છે. જેના કારણે દર મહિને લગભગ 40 કરોડનો ડીઝલનો વેપાર ઠપ્પ થઇ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. માછીમારોને ડીઝલ ખરીદવું પરવડે તેમ નહીં બોટ માલિકોએ પોતાની બોટ કિનારે લાંગરી દીધી છે.
પોરબંદર સહિત રાજ્યભરના માછીમારોને બલ્ક કન્ઝ્યુમરમાંથી ડીઝલનો ક્વોટા ફાળવવામાં આવે છે. પરંતુ ગત 16 મી માર્ચથી 114 થી 117 જેવો ડીઝલનો ભાવ પહોંચી જતા માછીમારો એ આ સરકારી પંપમાંથી ડીઝલ ખરીદવાનું બંધ કરી દીધું હતું. ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે માછીમારોએ દિલ્હી સુધી રજૂઆત કરી હતી જેને લીધે ત્રણ ઓઇલ કંપનીઓએ 12.54 પૈસાનો ઘટાડો કર્યો હતો પરંતુ બીજા જ દિવસે ફરી રૂ. 4.50 નો વધારો કરી દીધો હતો.
હાલ માછીમારોને મળતા ડીઝલનો ભાવ 103.40 જોવા મળી રહ્યો છે. બજાર કરતાં માછીમારોને મળતું ડીઝલ 4 થી 5 રૂપિયા જેટલું મોંઘુ મળી રહ્યું છે તેથી પોરબંદરની 3000 થી વધુ બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. પોરબંદરમાં 7 જેટલા સહકારી પંપો છે.
આ 7 પંપો વચ્ચે માછીમારોને નિયમિત 1,20,000 લીટર જેવું ડીઝલનું વેચાણ કરવામાં આવતું હતું અને લિટરે રૂ. 100 ની ગણતરી કરીએ તો પણ નિયમિત 1 કરોડ 20 લાખ જેટલું વેચાણ થાય છે અને એક મહિનાની વાત કરીએ તો આ આંકડો 40 થી 50 કરોડ એ પહોંચે તેવો અંદાજ છે
ડીઝલના ભાવ વધારાને કારણે કરોડો રૂપિયાનો ડીઝલનો વેપાર ઠપ્પ થઇ ગયો છે. જ્યાં સુધી સરકાર બજાર ભાવ કરતા ઓછા ભાવે ડીઝલ નહીં આપે ત્યાં સુધી માછીમારોને ડીઝલ ખરીદવું પરવડે તેમ નથી. જેના કારણે સહકારી પંપોના સંચાલકોને પણ મોટો આર્થિક ફટકો પડયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.