પોરબંદર જિલ્લામાં આખલાઓનો ત્રાસ વકરી રહ્યો છે. આખલા હડફેટે અનેક લોકોને ઈંજા, મૃત્યુ અને વાહનોને નુકશાન થઈ રહ્યું છે ત્યારે તાકીદે આખલા પકડવાની ઝુંબેશ પાલિકા દ્વારા શરૂ થાય તે જરૂરી બન્યું છે.પોરબંદરમાં વિવિધ વિસ્તારોમાં, ગલીઓમા, શહેરની હદમાં આવતા હાઇવે પર રખડતા આખલાઓ નજરે ચડે છે અને આ રખડતા ઢોર અડિંગો જમાવીને બેસે છે તેમજ આખલાઓ યુદ્ધે ચડતા પણ નજરે ચડે છે. આખલાના ત્રાસથી પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે.
રખડતા આખલાને કારણે જિલ્લામાં અનેક લોકોને ગંભીર ઈંજાઓ પહોંચી છે અને આખલાની ઢીકે તેમજ રસ્તા પર હડફેટે કેટલાક લોકોને ગંભીર ઈંજા થતા મૃત્યુ થયાના કિસ્સા સામે આવે છે. તાજેતર માંજ મિલપરા વિસ્તારમાં રહેતા એક આધેડને પાછળથી ઢીક મારતા આધેડનું સારવાર દરમ્યાન મોત થયું છે.
આખલા યુદ્ધના કારણે વાહનો ને પણ નુકશાન પહોંચે છે. તાજેતરમાં ઝુરીબાગ વિસ્તારમાં આખલા યુદ્ધે ચડતા પાર્ક કરેલ વાહનોને નુકશાન થયું હતું. હાલ શ્રાવણ માસ નો પ્રારંભ થયો છે અને અન્ય તહેવારો નજીક છે. દર્શનાર્થીઓ દર્શન કરવા નીકળે છે અને ખરીદી કરવા નીકળે છે ત્યારે રખડતા ઢોરને કારણે ભય અનુભવે છે. ખાસતો વૃદ્ધ લોકોને રખડતા ઢોર ના કારણે બહાર નીકળવામાં પણ ડર લાગે છે. જેથી પાલિકા તંત્ર દ્વારા આખલા પકડવાની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.