માછીમાર સમાજનો વિરોધ:દરિયામાં કચરો ઠાલવવાથી માછીમાર ઉદ્યોગને નુકસાન થશે, આંદોલનના મંડાણ; કહ્યું - જેતપુરમાં જ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવો

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 700 કરોડનો પ્રોજેક્ટ, જેતપુરના ઉદ્યોગનો કચરો પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવશે, 105 કિમીની પાઇપ લાઈન નખાશે
  • CMને રજૂઆત, કલેક્ટરને આવેદન આપીશું, દરિયામાં 8 થી 10 નોટિકલ માઈલ સુધી અસર થશે

પોરબંદરના શાંત સમુદ્રમાં ફરી વમણ પેદા થયું છે. જેતપુર ઉદ્યોગનો રાસાયણિક કદળો પાઇપલાઇન મારફત પોરબંદરમાં ઠાલવવાની હિલચાલ શરૂ થયા હોવાનું માછીમાર સમાજને ધ્યાને આવ્યું છે. સૂત્રો દ્વારા માછીમાર સમાજને જાણવા મળ્યું છે કે, જેતપુરના ઔધોગિક એકમનું રોજનું 800 લાખ લીટર ટ્રીટ કરેલ પ્રદુષિત પાણી પોરબંદરના સમુદ્રમાં છોડવા માટે જેતપુર પાસે પમ્પિંગ સ્ટેશન બનાવી 105 કિમિ પાઇપલાઇન નાખવામાં આવશે.

જે માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી આ અબજો રૂપિયાનો પ્રોજેકટ કંપનીને સોંપવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળતા માછીમાર સમાજના આગેવાનો લાલઘૂમ થયા છે. અને આગેવાનોએ જણાવ્યું હતું કે, જેતપુરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી દરિયામાં ઠાલવવામાં આવશે તો માછીમાર ભાઈઓને ભારે નુકશાન થશે. દરિયાઈ જીવ સૃષ્ટિ નાશ થશે. પ્રદુષિત પાણીના કારણે માછલીઓ મળવી મુશ્કેલ થશે અને માછીમારોને નુકશાન વેઠવું પડશે.

એક તરફ મંદી છે અને અગાવ પણ વાવાઝોડાને પગલે તેમજ કોરોનાને પગલે માછીમારોની સ્થિતિ કફોડી બની છે.ત્યારે જેતપુરના ઉધોગોનું પ્રદુષિત પાણી પોરબંદરના સમુદ્રમાં ઠાલવવાની તજવીજથી માછીમાર સમાજમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. માછીમાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે અગાવ પણ અમે વિરોધ કર્યો હતો અને જો આ કામગીરી થશે તો આંદોલનના મંડાણ થશે.

  • હાલ પણ પોરબંદરની ફેકટરીના પ્રદુષણને કારણે દરિયા કાંઠે માછલીઓ મળતી નથી. જ્યાં સમુદ્ર નથી ત્યાં અનેક મોટી ઇન્ડસ્ટ્રીઓ આવેલ છે તે ત્યાંજ સોલ્યુશન કાઢી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખે છે. જેતપુરમાં પણ આ પ્લાન્ટ નાખવો જોઈએ. આ અંગે અમારો સખત વિરોધ છે અને આ બાબતે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવશે અને કલેકટરને આવેદન આપવામાં આવશે. આ બાબતે આંદોલનનો માર્ગ અપનાવવા તૈયાર છીએ. - જીવનભાઈ જુંગી, પૂર્વ પ્રમુખ, માછીમાર બોટ એશો. પોરબંદર
  • કેમિકલ વેસ્ટથી માછલીઓ નાશ થશે અને માછીમારોને નુકશાન થશે. - અશ્વિનભાઈ મધુભાઈ જુંગી, ટ્રસ્ટી, ખારવા સમાજ
  • પ્રદુષિત પાણી દરિયામાં આવશે તો હજ્જારો લોકોને રોજગારીમાં સીધી અસર પડશે. - ભરતભાઇ મોદી, પૂર્વ પ્રમુખ, માછીમાર બોટ એસો

જેતપુરમાં સાડી ઉદ્યોગ 200થી 250 છે ઉદ્યોગોનું પ્રદુષિત પાણી સમુદ્રમાં છોડવામાં આવે તો પર્યાવરણને નુકશાન થશે. સમુદ્રમાં 8થી 10 નોટિકલ માઈલ કેમિકલની અસર થશે. માછીમારોને નુકશાન થશે અને પ્રદુષિત પાણી કેનાલ મારફત આવે તો જમીનમાં જશે તો ખેડૂતોને પણ નુકશાન થશે. આ નિર્ણયમા ફેરફાર થવો જોઈએ અને જેતપુર ખાતે જ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવો જોઇએ. > સુનિલભાઈ ગોહેલ, ગુજરાત ખારવા સમાજ પૂર્વ પ્રમુખ અને અખિલ ગુજરાત માછીમાર મહા મંડળના સલાહકાર સભ્ય

અન્ય સમાચારો પણ છે...