રજૂઆત:પોરબંદરમાં નવા ઉદ્યોગો લાવો: 40 વર્ષ પહેલાં 40 હજારની વસ્તી સામે 35 ઉદ્યોગો ધમધમતા હતા

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વસ્તી વધી છે ત્યારે ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે, કામદાર સંઘની મુખ્યમંત્રીને રજૂઆત

એક સમયે પોરબંદર શહેર સૌરાષ્ટ્રનું માન્ચેસ્ટર ગણાતું હતું. 40 વર્ષ પહેલા શહેરની વસ્તી 40 હજારની હતી ત્યારે નાના મોટા 35 જેટલા ઉદ્યોગો ધમધમતા હતા. હાલ વસ્તી 2 લાખે પહોંચી છે ત્યારે શહેરમાં ઉદ્યોગો નથી. મહત્વના 2 મોટા ઉદ્યોગો બંધ થયા છે. અગાવના મહારાણા કાપડ મીલ્સ, જીનિંગ સહિત નાના મોટા ઉદ્યોગો ધમધમતા હતા જે કામદારોને રોજીરોટી પુરી પાડતા હતા તે તમામ ઉદ્યોગો આર્થિક મુશ્કેલીથી બંધ થયા છે. હાલ નિરમા અને ઓરિએન્ટ એબ્રેસીવ્ઝ બંધ થઈ છે. જેમાં કામદારો નિર્દોષ છે.

જેથી સરકારે આ ઉદ્યોગો ચાલુ રખાવી કામદારોને પગાર ચાલુ રાખવા જોઈએ. મત્સ્ય ઉદ્યોગ પણ વારંવાર અતિવૃષ્ટિ અને વાવાઝોડા તેમજ સિઝનમા મંદી ના કારણે મૃતપ્રાય થવાને આરે છે. કોરોનાને પગલે મંદી છે જેથી બિલ્ડીંગ બાંધકામ ઉદ્યોગ પણ ઠપ્પ છે. પોરબંદરના ઈંફાસ્ટક્ચરની વાત કરીએ તો પોરબંદરમાં બારમાસી બંદર, હાઇવે સેવા, પુરા દેશ સાથે જોડતો હાઇવે, કુદરતી ખનીજ, જમીન, મીઠાપાણીની સુવિધા તેમજ વીજળી ની સુવિધા હોય, એરપોર્ટ, રેલવે હોય, જેથી પોરબંદર ઉદ્યોગો માટે અનુકૂળ છે. અહીં મોટા ઉદ્યોગો લાવવામાં આવે તે અનિવાર્ય બન્યું છે.

પોરબંદરને ઉદ્યોગ મુક્ત બનતું અટકાવવા મોટા ઉદ્યોગો લાવવામાં આવે તેવી પોરબંદરના મહારાણા મીલ્સ રાષ્ટ્રીય કામદાર સંઘના ઉપપ્રમુખ તથા સામાજિક કાર્યકર હરભમભાઈ વી. મૈયારીયા એ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે.

ઓરીએન્ટ ના કામદારો આજે કલેકટરને આવેદન પાઠવશે
પોરબંદરમાં કાચા માલના અભાવે ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ કંપનીએ તાળા મારી દીધા છે. જેથી આ કંપનીના 800 જેટલા કામદારો અને તેના પરિવારજનોને રોજીરોટી નો પ્રશ્ન ઉભો થયો છે. કામદારોએ જણાવ્યું હતું કે દિવાળી ના તહેવાર વખતે જ કંપની બંધ થઈ છે જેથી પરિવારજનો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. કાચા માલ બાબતે સરકાર દરમ્યાનગીરી કરે અને કંપની ફરી ચાલુ થાય તેવી માંગ સાથે ઓરીએન્ટ કંપનીના કામદારો આજે સોમવારે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી કંપની ચાલુ થાય તેવી માંગ કરશે.

હાલ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝો પણ મૃતપ્રાય થવાને આરે પહોંચી ગઇ છે
પોરબંદરમા બરફના કારખાના પણ સિઝન ડાઉન હોવાને લીધે માત્ર 20 થી 25 ટકા ચાલુ છે. બોકસાઈડ કારખાના 15 થી 20 બંધ થયા છે. ઓરિએન્ટ એબ્રેસીવ્ઝ બંધ થતાં તેની નીચે આવતા 15 થી 20 યુનિટોને અસર થશે. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝો મૃતપ્રાય થવાને આરે છે. (ધીરુભાઈ કક્કડ, સેક્રેટરી, પોરબંદર જીઆઇડીસી વેલ્ફેર એસોસીએશન)

દેશમાં સૌથી પહેલી એસીસી સિમેન્ટ ફેકટરી 700 માણસો સાથે કાર્યરત હતી
અગાવ પોરબંદરમાં બાક્સ, સાબુ, કાચ, ગંજી, ચોક- માટી પાવડર જેવા સ્મોલ ઉદ્યોગોમાં 1500 માણસો કામ કરતા હતા, દેશમાં સૌથી પહેલી એસીસી સિમેન્ટ ફેકટરી 700 માણસો સાથે કાર્યરત હતી, એચએમપી ફેકટરીમાં 600, જીનિંગ મીલો 11 હતી, મહારાણા કાપડ મીલ મા 2500, ઘી ફેકટરી, બિલ્ડીંગ લાઈમ સ્ટોન મા 2500 માણસો, કાલાફોલ, જીનિંગ, ચરખા, પ્રોસેસિંગ અનેક કામદારો કામ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...