પોરબંદર અને દેવભુમિ દ્વારકા જિલ્લાને જોડતા બરડા ડુંગરમાં આ વર્ષે પણ સારો વરસાદ થયો છે અને તેથી પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે ત્યારે અઢળક સૌંદર્યથી ભારોભાર ભરેલા બરડાને બુટલેગરોથી બચાવવા નકકર આયોજન કરવું જરૂરી બની ગયું છે.
કોંગ્રેસ દ્વારા રાજ્યના ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે બરડા ડુંગરમાં દેશી દારૂનું દુષણ ખૂબ વધ્યું છે અને બોટાદકાંડ જેવું પોરબંદરમાં થાય નહીં તે માટે પોલીસ અને વનવિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે. પોરબંદરના રાણાબરડા અને દેવભુમિ દ્વારકાના જામબરડા તરીકે ઓળખાતા આ ડુંગરમાં અનેક જગ્યાએ દેશીદારૂનું દુષણ બેફામ બન્યું છે, એટલું જ નહીં પરંતુ દારૂના ધંધાર્થીઓએ જયાં જયાં પાણીના ઝરણા વહેતા હોય ત્યાં દારૂની ભઠ્ઠીઓ ધમધમાવીને પર્યાવરણને મોટું નુકશાન પહોંચાડયું છે.
બુટલેગરો પશુઓના ઇન્જેકશન અને સડેલા ગોળનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે. બરડા ડુંગરનું લીલુછમ સૌંદર્ય બુટલેગરો બેફામ પણે લુંટી રહ્યા છે. દારૂના ધંધાર્થીઓ ભઠ્ઠીઓ ધમધમાવીને બરડા ડુંગરની કિંમતી ઔષધીઓ અને મહામુલી વનસ્પતિઓનો પણ સોથ વાળી રહ્યા છે. બરડા ડુંગરની વનસ્પતિ નિર્દયી અને સ્વાર્થી બુટલેગરોને કારણે લુંટાઇ રહી છે.
જગતભરમાં જેની ગણના થાય તેવી વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ મળતી હતી ત્યાં આજે અનેક કિંમતી ઔષધીઓના વૃક્ષોનો નાશ થઇ ગયો છે. જીવસૃષ્ટિને પણ નુકશાન થયું છે. જેથી વનવિભાગ અને પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.