લોકોમા રોષ:ભાટિયા બજારમાં સસ્તા અનાજની દુકાને હોબાળો

પોરબંદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં સસ્તા અનાજની દુકાનેથી અનાજ ઓછું આપતા હોઇ અને બિલ ન આપતા હોવાની લાભાર્થીઓમાંથી ફરિયાદો ઉઠી

પોરબંદરના ભાટિયા બજારમાં આવેલ એક સસ્તા અનાજની દુકાન ખાતે દુકાનદાર અનાજ ઓછું આપતા હોય અને બિલ પણ આપતા ન હોવાથી દુકાન બહાર લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.

પોરબંદરમાં કેટલાક સસ્તા અનાજના દુકાનદારો ગરીબોને આપવામાં આવતું અનાજ લાભાર્થીઓને ઓછું આપે છે અને ધનેડા વાળું અનાજ આપે છે તેમજ લાભાર્થીઓને ધક્કા ખવડાવી પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે પોરબંદરના ભાટિયાબજાર કેશવ સ્કૂલ સામે આવેલ પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારના સંચાલક અશોક વિરજીભાઈ મોનાણીની સસ્તા અનાજની દુકાન બહાર લાભાર્થીઓ એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો.

લાભાર્થીઓએ જણાવ્યું હતુંકે, આ દુકાનદાર વ્યક્તિદીઠ જેટલું અનાજ આપવું જોઈએ તે આપતા નથી. સરકારે નક્કી કરેલ અનાજ પૂરતું મળવું જોઈએ આમછતાં અનાજ પૂરતું આપતા નથી. લાભાર્થીઓએ એવુ પણ જણાવ્યું હતું કે, વ્યક્તિ દીઠ અનાજમાં જો ઘરમાં 3 જેટલા વ્યક્તિ હોય તો એક થી દોઢ કીલો ઓછું અનાજ આપે છે અને જો ઘરમાં 6 વ્યક્તિ હોય તો 2 થી 3 કિલો અનાજ ઓછું આપે છે. અને ગ્રાહકોને અનાજનું બિલ આપવું ફરજિયાત હોવા છતાં આ દુકાનદાર ગ્રાહકોને બિલ પણ આપતા નથી. સરકાર દ્વારા જેટલું અનાજ નક્કી કરવામાં આવ્યું છે તેટલું અનાજ લાભાર્થીઓ સુધી પહોંચતું નથી. અને બિલ આપવામાં આવતા નથી જેથી તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી લાભાર્થી ગ્રાહકોએ માંગ કરી છે.

જોખવાથી ઘટ આવે એટલે ગ્રાહકોને ઓછું અનાજ આપું છું : દુકાનદાર
ગ્રાહકોને અનાજ ઓછું આપવું પડે કારણકે, સરકાર દ્વારા જે અનાજ અમને મળે છે એ અમારી દુકાનના વજન કાંટામા જોખીએ એટલે એમને ઘટ આવે છે. 1 બાચકે 1કિલોની ઘટ આવે છે. ઘણીવાર બાચકા ફાટેલ આવે. મજુર હુંક મારી દયે. જોખવામાં ઘટ આવે એટલે ગ્રાહકોને ઓછું અનાજ આપીએ. પ્રિન્ટર બંધ છે એટલે બિલ નથી આપતા. અંદાજે 775 જેટલા ગ્રાહકો છે. એમાંથી ઓછું આપીને ઘટ સરભર કરીએ છીએ. - અશોક વિરજીભાઈ મોનાણી, સંચાલક, સસ્તા અનાજની દુકાન

ચોક્કસ કાર્યવાહી કરીશું : પુરવઠા અધિકારી
આ અંગે સવારે ફરિયાદ મળતા જ મેં સપ્લાય ઇન્સ્પેકટર અને એસએટીની ટીમને મોકલી હતી. દુકાનદારનું તથા ગ્રાહકોના નિવેદન લીધા છે. હજુ જાતે તપાસ કરવા જઈશ અને જો દુકાનદાર ગ્રાહકોને અનાજનો જથ્થો ઓછો આપતા હશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. - હિરલ દેસાઈ, પુરવઠા અધિકારી, પોરબંદર

ઘરે વજનકાંટામા જોખ્યું ત્યારે ખબર પડી - લાભાર્થી
ભાટિયા બજારમાં કેશવ સ્કૂલ સામે સંચાલક અશોકભાઈની સસ્તા અનાજની દુકાનેથી સરકાર દ્વારા અપાતું અનાજ લઈએ છીએ. આ દુકાનદાર બિલ આપતા નથી અને અમારે મચ્છીનો વેપાર હોય જેથી ઘરે વજન કાંટો છે. અનાજનું વજન કર્યું ત્યારે ખબર પડી કે અનાજ ઓછું આપવામાં આવે છે. ઘણા વખતથી આવું ચાલતું હશે. - રસિલાબેન ચેતનભાઈ ટોડરમલ, લાભાર્થી

અન્ય સમાચારો પણ છે...