આક્ષેપ:ગાય માતાના નામે મત લેનાર ભાજપે લમ્પી મહામારી સમયે જવાબદારી ખંખેરી : કોંગ્રેસ

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ પશુપાલન વિભાગ સામાજિક સંસ્થાઓને ભરોસે : વહિવટી તંત્રની બેદરકારી અંગે પગલાં ભરવા માંગ

પોરબંદર કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે ગાયના નામે મત લેનાર ભાજપે લમ્પી વાયરસની મહામારી સમયે જ પોતાની જવાબદારી ખંખેરી નાખવામાં આવી છે. ભાજપ સરકારના પશુપાલન વિભાગ પાસે ખુદનો આઇસોલેશન વોર્ડ નહીં હોવાથી હાલ સરકાર સામાજિક સંસ્થાઓને ભરોસે છે જેથી પોરબંદરના વહીવટી તંત્રની આ બેદરકારી અંગે કડક પગલાં ભરવા માંગ કરી છે.

જિલ્લાના ગૌધનમાં લમ્પી વાયરસની બીમારી ગંભીર પ્રકારે ફેલાઈ ચૂકી છે ત્યારે લમ્પી વાયરસનો ફેલાવો વધવાની શરૂઆત થઈ હતી ત્યારે જ જીવદયા પ્રેમીઓ અને સંસ્થાઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં બે જવાબદાર તંત્રએ કોઇ નક્કર કાર્યવાહી કરી નથી અને તેના કારણે ગૌધન ભગવાન ભરોસે છે તેમ જણાવી પોરબંદર કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે.

કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ લમ્પીનો ચેપ લાગ્યા બાદ અશક્ત બનેલી ગાયોની સ્થિતિ જાણવા માટે અલગ અલગ વિસ્તારના લોકોને મળ્યા હતા ત્યારે મોટાભાગના લોકોની એક જ ફરિયાદ હતી કે ગાયોની સારવાર અને વધુ સારવારની જરૂર છે તેવી અશક્ત ગાયોને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા માટે કરુણા હેલ્પલાઇનમાં વખતોવખત ફોન કરવા છતાં સંપર્ક કરી શકાતો નથી.

ક્યારેક ફોન લાગે છે ત્યારે વારો નોંધાવ્યા પછી પણ બે ત્રણ દિવસ સુધી પશુ એમ્બ્યુલન્સ કે પશુ ડોક્ટરો આવતા નથી. આ બાબતે રામદેવભાઈએ પશુપાલન અધિકારી સાથે વાત કરતા તેમણે પણ પોતાની મર્યાદાઓ જણાવી હતી. પશુપાલન વિભાગ પાસે ન તો પોતાનો આઈસોલેશન વોર્ડ છે કે ન તો આઈસોલેશન બોર્ડમાં રહેલા ગૌધનના નિભાવ માટે પૂરતો ઘાસચારો છે.

આ બધું જ સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓના ભરોસે ચાલી રહ્યું છે. આ ઉપરાંત રામદેવ ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે પશુપાલન વિભાગ પાસે પોતાના હસ્તકનું આઇસોલેશન કેમ્પ શરૂ કરવાને બદલે સેવાભાવી સંસ્થાઓને માટે આ જવાબદારી નાખી છે ત્યારે સરકાર આઈસોલેશન વોર્ડ શરૂ કરે, તેમાં પૂરતી દવાઓનો જથ્થો, સતત એક ડોક્ટરની ઉપસ્થિતિ તેમજ જે તે સ્થળેથી આઇસોલેશન વોર્ડ સુધી લઈ જવાની વાહનની સુવિધા, ગૌધન માટે લીલો સુકો ઘાસચારો અને પીવા માટે પાણી તેમજ અશક્ત ગાયો માટે પોષણક્ષમ આહાર એટલે રાજદાણ અને ખોળ કપાસીયા સહિતના પૂરતા સામાનની ફાળવણી ઉભી કરવા રામદેવ ભાઈએ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...