ખર્ચની વિગતો:પોરબંદર અને કુતિયાણા બંને બેઠક ઉપર ભાજપે સૌથી વધુ ખર્ચ કર્યો

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં બાબુભાઇ અને કુતિયાણામાં ઢેલીબેને સૌથી વધુ ખર્ચ કર્યો
  • ​​​​​​​3 તબક્કામાંથી 2 તબક્કામાં ઉમેદવારોએ કરેલ ખર્ચની વિગતો જાહેર કરાઇ

ગુજરાત વિધાનસભાની આગામી ગણતરીના દિવસોમાં યોજાનારી ચુંટણીમાં જીત મેળવવા માટે પોરબંદર અને કુતિયાણા બેઠક પર ઉમેદવારી કરી રહેલા ઉમેદવારોમાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ ખર્ચ ભાજપના ઉમેદવારોએ બંને બેઠક પર કર્યો છે. ઉમેદવારોએ ચુંટણી પહેલા 3 તબક્કામાં ખર્ચનો હિસાબ રજૂ કરવાનો થતો હોય તેમાંથી અત્યાર સુધીમાં 2 તબક્કામાં રજૂ કરાયેલ હિસાબની યાદી જાહેર કરાઇ છે. ત્રણ તબક્કાના હિસાબો બાદ ફાઇનલ ખર્ચની યાદી ચુંટણી પછી જાહેર કરવાની થતી હોય છે.

ચુંટણીપંચ દ્વારા ચુંટણીમાં ઉમેદવારી કરી રહેલા ઉમેદવારોને મર્યાદામાં રહી ચુંટણી ખર્ચ કરવાની મંજૂરી આપવામાં આવે છે. ઉમેદવારો દ્વારા કરાતા ખર્ચ પર ચુંટણીપંચ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવે છે. નિયમ મુજબ ઉમેદવારોએ ચુંટણી યોજાય તે પહેલા 3 તબક્કામાં પોતે કરેલા ચુંટણીખર્ચની વિગતો ચુંટણીપંચને રજૂ કરવી પડે છે અને ત્યારબાદ ફાઇનલ ખર્ચની યાદી ચુંટણી યોજાયા બાદ રજૂ કરવાની રહે છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લાની 83 પોરબંદર વિધાનસભા બેઠક માટે અત્યાર સુધીના બે તબક્કામાં ચુંટણી લડી રહેલા 11 ઉમેદવારો પૈકી સૌથી વધુ ખર્ચ ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયાએ રૂ. 1467221 કર્યો છે. જયારે સૌથી ઓછો ખર્ચ જેઠાભાઇ ચાવડાએ રૂ. 11000 કર્યો છે.

તે સિવાય કોંગ્રેસના અર્જુનભાઇ મોઢવાડિયાએ રૂ. 1229327, આમ આદમી પાર્ટીના જીવનભાઇ જુંગીએ રૂ. 271470, રમેશભાઇ ડાકીએ રૂ. 46406, રાજેશભાઇ પંડયાએ રૂ. 34270, રણમલભાઇ ઓડેદરાએ રૂ. 23700, લાખણશીભાઇ ઓડેદરાએ રૂ. 87080, પ્રકાશભાઇ ઉનડકટે રૂ. 21200, મનોજભાઇ બુધેચાએ રૂ. 37500 અને મુકેશભાઇ પાંજરીએ રૂ. 29100 નો ખર્ચ કર્યો છે. જ્યારે કે કુતિયાણા બેઠક પર સૌથી વધુ ખર્ચ ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાએ રૂ. 2010500 કર્યો છે.

જયારેકે આ બેઠક પર સૌથી ઓછો ખર્ચ અજયભાઇ ઓડેદરા, ચંદુલાલ રાઠોડ, મીલનભાઇ ચૌહાણ અને મુકેશભાઇ વઘાસીયા દરેકે રૂ. 10500 કર્યો છે. તે સિવાય કોંગ્રેસના નાથાભાઇ ઓડેદરાએ રૂ. 360170, સમાજવાદી પાર્ટીના કાંધલભાઇ જાડેજાએ રૂ. 283210, આમ આદમી પાર્ટીના ભીમાભાઇ મકવાણાએ રૂ. 103145, રાજેશભાઇ બુટાણીએ રૂ. 20400, આનંદભાઇ બુચે રૂ. 12928, નિમેશભાઇ ભુંડીયાએ રૂ. 12428, પ્રકાશભાઇ જુંગીએ રૂ. 13000 અને રાજેશભાઇ મદલાણીએ રૂ. 13000 નો ખર્ચ અત્યાર સુધીમાં કર્યો છે. બે તબક્કામાં કરેલ ખર્ચની આ યાદી બાદ ઉમેદવારોએ હવે આગામી 29 નવેમ્બરના રોજ ત્રીજા તબક્કામાં કરેલ ખર્ચની યાદી રજૂ કરવાની રહેશે.

પ્રથમ બે તબક્કામાં બંને બેઠક પર ઉમેદવારોએ કરેલ કુલ ખર્ચની વિગત
પોરબંદર જીલ્લાની પોરબંદર બેઠક માટે તા. 20 નવેમ્બર સુધીના પ્રથમ તબક્કા દરમિયાન 11 ઉમેદવારોએ કુલ રૂ. 917141 નો ખર્ચ કર્યો છે. જયારે કે કુતિયાણા બેઠક પર 13 ઉમેદવારોએ રૂ. 278270 કર્યો છે. ત્યારબાદ તા. 25 નવેમ્બર બીજા તબક્કા સુધીમાં પોરબંદરના 11 ઉમેદવારોએ રૂ. 2341133 મળીને બંને તબક્કામાં કુલ રૂ. 3258274 નો ખર્ચ કર્યો છે. જયારે કે કુતિયાણા બેઠકના 13 ઉમેદવારોએ બીજા તબક્કા સુધીમાં રૂ. 2592511 નો ખર્ચ કરી બંને તબક્કામાં કુલ રૂ. 2870781 નો ખર્ચ કર્યો છે.

કુતિયાણામાં પ્રથમ તબક્કામાં ખર્ચ રજૂ ન કરનાર 4 ઉમેદવારોને નોટીસ અપાઇ હતી
20 નવેમ્બર સુધીમાં પંચ સમક્ષ ઉમેદવારે કરેલ ખર્ચની વિગતો પૂરી ન પાડનાર કુતિયાણાના ઢેલીબેન ઓડેદરા, નિમેશભાઇ ભુંડીયા, પ્રકાશભાઇ જુંગી અને રાજેશભાઇ મદલાણીને પંચ દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી જેથી તેઓએ 25 નવેમ્બરના બીજા તબક્કા દરમિયાન પ્રથમ અને દ્વિતીય બંને તબક્કાનો ખર્ચ રજૂ કરી દીધો હતો.

પોરબંદરમાં પ્રથમ તબક્કામાં ખર્ચ રજૂ ન કરનાર 1 ઉમેદવારોને નોટીસ અપાઇ હતી
20 નવેમ્બર સુધીમાં પંચ સમક્ષ ઉમેદવારે કરેલ ખર્ચની વિગતો પૂરી ન પાડનાર પોરબંદરના ઉમેદવાર રમેશભાઇ ડાકીને પંચ દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી જેથી તેઓએ 25 નવેમ્બરના બીજા તબક્કા દરમિયાન પ્રથમ અને દ્વિતીય બંને તબક્કાનો ખર્ચ રજૂ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...