ચતુષ્કોણીય જંગ ખેલાશે:ભાજપે કુતિયાણા બેઠક પરથી રમેશ ઓડેદરાને ટિકિટ આપી, પાર્ટી તરફથી ફોન દ્વારા જાણ કરાઈ હોવાનો દાવો

પોરબંદરએક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે. ભાજપ દ્વારા આજે 160 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામા આવી છે. ત્યારે 83-પોરબંદર વિધાનસભા બેઠક તેમજ 84-કુતિયાણા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્રારા પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે.

રમેશ ઓડેદરાને પાર્ટી દ્વારા ફોન પર જાણ કરાઈ
કુતિયાણા બેઠક પર ભાજપના પીઢ ઉમેદવાર રમેશ ઓડેદરા (રમેશ પટેલ)ને ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. રમેશ ઓડેદરા પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે કાર્યરત છે. રમેશ ઓડેદરાને પાર્ટી દ્વારા ફોન પર જાણ કરી ટિકિટ આપ્યાનું તેઓએ જણાવ્યું હતું.

કુતિયાણા બેઠક પર ચતુષ્કોણીય જંગ જોવા મળશે
આ બાબતે રમેશ ઓડેદરાએ જણાવ્યું હતું કે, હું ઘેડ વિસ્તારમાંથી જ આવું છું અને આ વખતે કુતિયાણા તેમજ પોરબંદર બંને બેઠકો ભાજપ લીડ સાથે જીતશે. ઉલેખ્ખનીય છે કે, કુતિયાણા બેઠક પર છેલ્લી બે ચૂંટણીથી ભાજપની હાર થઈ રહી છે અને એનસીપીના કાંધલ જાડેજા આ બેઠક પર ચૂંટણી જીતતા આવી રહ્યાં છે. ત્યારે આ વખતે ભાજપ દ્વારા પણ તેઓના મજબૂત ઉમેદવારને મેદાનમાં ઉતારતા આ બેઠક પર ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કારણ કે આ વખતે કુતિયાણા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, એનસીપી અને આમ આદમી પાર્ટી મેદાનમા હોવાથી ચતુષ્કોણીય જંગ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...