પોરબંદરમાં યોગીનો પ્રચંડ પ્રચાર:ભાજપના ઉમેદવાર બાબુ બોખીરીયાને વિજય બનાવવા જનસભા સંબોધી, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

પોરબંદર9 દિવસ પહેલા

રાજ્યમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોરબંદર ખાતે આવ્યા હતા. જ્યાં તેમણે પોરબંદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર બાબુ બોખીરીયાના સમર્થનમા જનસભાને સંબોધી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપના ઉમેદવાર બાબુ બોખીરીયાને વિજય બનાવવા જનસભામાં લોકોને અપીલ કરી હતી.

પોરબંદર ચોપાટી ખાતે આવેલા પોરબંદર છાંયા નગરપાલિકાના પાર્ટી પ્લોટ ખાતે યોગી આદિત્યનાથની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિશાળ જનસભાને સંબોધન કરતાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યુ હતુ કે, કોરોના સમયમાં કોંગ્રેસ હોત તો સારવાર અને વેક્સીનના પૈસા પણ ખાઈ ગયા હોત. કોરોનાના સમયમાં કોંગ્રેસના ભાઈ-બહેન હાલચાલ પુછવા માટે તમારી પાસે આવ્યા હતા તેવો લોકોને સવાલ કર્યો હતો. વધુમા કહ્યું હતુ કે, દેશમાં સંકટ હોય ત્યારે તેમને મામાનું ઘર ઈટલી યાદ આવે છે. ભારત જોડો યાત્રાને લઈને પણ યોગીએ પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતુ કે, કોંગ્રેસના નેતા ભારત જોડો યાત્રામાં હાલ નિકળ્યા છે. યાત્રા દરમિયાન એક સભામા રાષ્ટ્રગાન વાગવાને બદલે ફિલ્મી ગીત વાગવાનું ચાલુ થઈ ગયુ હતુ.

સાથે જ મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ હોત તો આજે રામ મંદિર ન બન્યુ હોત અને કાશ્મીરમાંથી 370 ની કલમ પણ દૂર ન થઈ હોત. આ ભાજપના કારણે જ શક્ય બન્યું છે. પહેલા ભારતમાં ગમે ત્યારે આંતકવાદીઓ બૉમ્બ વિસ્ફોટ કરી જતા હતા. પરંતુ ભાજપ સરકારની સર્જીકલ સ્ટ્રાઇક જેવા આકરા નિર્ણય અને ઇચ્છા શક્તિને કારણે આજે આંતકવાદીઓ અને નક્સલવાદીઓ માટે હવે ભારતમાં કોઈ જગ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...