તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણનું ધામ બિસમાર:ભાવસિંહજી ટેક્નિકલ હાઈસ્કૂલ જર્જરિત, વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂકંપમાં પ્રેક્ટિકલ વિભાગ જર્જરિત થયો હતો,

પોરબંદરની ભાવસિંહજી ટેક્નિકલ હાઈસ્કૂલ જર્જરિત હાલતમાં છે. 2001ની સાલમાં આવેલ ભૂકંપમા પ્રેક્ટિકલ વિભાગ જર્જરિત થયો હતો. 20 વર્ષથી વિધાર્થીઓ પ્રેક્ટિકલ જ્ઞાનથી વંચિત રહે છે. વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

પોરબંદર શહેરના મધ્યમાં એસટી બસ સ્ટેન્ડ નજીક તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સામે 1965થી ભાવસિંહજી સરકારી ટેક્નિકલ હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી હતી. આ ટેક્નિકલ હાઈસ્કૂલ ભવ્ય ભૂતકાળ ધરાવે છે. એક સમયે ભાવસિંહજી ટેક્નિકલ હાઈસ્કૂલમાં ધોરણ 8થી 10 ના વર્ગો ચાલતા હતા. જેમાં થિયરી અને પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવતું હતું. લેથ મશીન તેમજ પ્રેક્ટિકલના કેટલાક સાધનો વિદેશથી આવ્યા હતા. આ સ્કૂલમાં વિધાર્થીઓને સુથારીકામ, લેથટર્નિંગ, પાઇપ ફિટિંગ, મોલ્ડીંગ, લુહારીકામ સહિતના વર્કશોપ ચાલતા હતા અને વિધાર્થીઓને 10 માર્ક ગ્રેસિંગના આપવામાં આવતા છે. આ ટેક્નિકલ સ્કૂલમાં એડમિશન લેવા માટે પડાપડી બોલતી હતી. વાલીઓ પોતાના સંતાનને ટેક્નિકલ સ્કૂલમાં એડમિશન મળી જાય તે માટે પ્રાર્થના કરતા હતા.

આ સ્કૂલમાં અભ્યાસ કરેલા અસંખ્ય વિધાર્થીઓ ઉચ્ચ હોદ્દા પર છે અને સ્કૂલનું નામ રોશન કર્યું છે પરંતુ વર્ષ 2001મા આવેલ ભૂકંપના કારણે ટેક્નિકલ સ્કૂલનો પ્રેક્ટિકલ વિભાગ જર્જરિત થઈ ગયો હતો અને આ વર્કશોપ બંધ થતાં વિધાર્થીઓ પ્રેક્ટિકલ જ્ઞાન મળતું ન હતું. મહત્વની વાત એ છે કે આ ટેક્નિકલ સ્કૂલના પ્રેક્ટિકલ વિભાગને જીવંત કરવામાં સરકારે રસ દાખવ્યો ન હોવાથી હાલ 20 વર્ષથી વિધાર્થીઓ પ્રેક્ટિકલ જ્ઞાનથી વંચિત રહે છે. વિધાર્થીઓને માત્ર થિયેરીકલ અભ્યાસ જ મળે છે.

પ્રેક્ટિકલ સાધનો પણ બિસમાર બન્યાં છે. એટલું જ નહીં આ ટેક્નિકલ સ્કૂલ હાલ જર્જરિત હાલતમાં છે અને થિયેરીકલ અભ્યાસ માટે પણ વિધાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. હાલ તો ઓનલાઇન શિક્ષણ ચાલે છે પરંતુ આ બિલ્ડીંગ જર્જરિત છત પરથી વરસાદી પાણી પડે છે અને સ્કૂલની બિસમાર હાલત થતા પ્રત્યક્ષ શિક્ષણ માટે થિયેરીકલ અભ્યાસ માટે આવતા વિધાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ સ્કૂલની બહારની દીવાલો પણ તૂટી ગયેલ છે અને બહારથી કોઈપણ તત્વો અંદર પ્રવેશી શકે છે. આમ જર્જરીત સ્કૂલ અને પ્રેક્ટિકલ અભ્યાસ ન મળતો હોવાથી વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

હાલ માત્ર 40 વિદ્યાર્થીઓ છે
એક સમયે આ ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે 360 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરતા હતા અને 2-2 વર્ગો ચાલતા હતા જ્યારે હાલ 9મા ધોરણમાં 20 અને 10મા ધોરણમાં 20 એમ કુલ 40 વિધાર્થીઓ પ્રેક્ટિકલ જ્ઞાન વિના અભ્યાસ કરે છે.

18 માંથી માત્ર બે જ શિક્ષક રહ્યા
આ ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે અગાવ 18 શિક્ષકનો સ્ટાફ હતો પરંતુ ધીરેધીરે શિક્ષકો નિવૃત થયા અને નવી ભરતી ન થતા હાલ માત્ર 2 જ શિક્ષક રહ્યા છે જેમાં લેકચરર તરીકે સુરેશભાઈ ભાલીયા અને ટર્નર તરીકે દેલવાડિયા છે જે પણ નિવૃત થવાના આરે છે.

શિક્ષકો નહીં મળે તો આ સ્કુલ બંધ થશે : આચાર્ય
બિલ્ડીંગ જર્જરિત છે. રાજ્યમાં માત્ર 2 જેટલી આવી સંસ્થા બચી છે. વિધાર્થીઓને લાભ મળે તે માટે સ્કૂલ જીવંત રાખી છે. હાલ 2 જ શિક્ષકો છે. શિક્ષકો ન મળે જેથી આ સ્કૂલ પણ બંધ થશે. મારા લેવલથી આ સ્કૂલ બચાવવા પ્રયાસ કરીશ પણ સફળતાની શકયતા ઓછી છે.
> નમ્રતાબા વાધેલા, આચાર્ય, ભાવસિંહજી હાઈસ્કૂલ, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...