અર્જુન મોઢવાડીયાના ભાજપ પર પ્રહાર:શનિવારે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા બંધનું એલાન કરાયું; અર્જૂન મોઢવાડીયાએ વિવિધ મુદ્દાને લઈ ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો

પોરબંદરએક મહિનો પહેલા

મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા શનિવારે ગુજરાત બંધનું એલાન આપવામા આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, ભારતીયા જનતા પાર્ટીના 27 વર્ષના કુશાશનના કારણે મોંઘવારી અને બેરોજગારીએ માજા મુકી છે. જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં કમરતોડ વધારો કર્યો છે. મોંઘવારી ઘટાડવા અને રોજગારી આપવાના વચનનો કેન્દ્ર અને રાજય સરકારે વિશ્વાસઘાત કર્યો છે. તેમ જણાવીને ગુજરાતની જનતાને અડધા દિવસના બંધમાં જોડાવવા અપીલ કરવામા આવી છે.

શનિવારના રોજ10/09/2022ના રોજ બંધ રાખવામાં આવશે. અને પ્રજાને સ્પર્શતા આ મુદામાં જોડાવવા તમામ નાગરીકો, વેપારીઓ, નાના-મોટા ધંધાર્થીઓ, રેકડી કેબીન ધારકો, રીક્ષા ચાલકો સહિત શાળા કોલેજને બંધમાં જોડાવવા અપીલ કરી હતી. વધુમા જણાવ્યું હતું કે, ભાજપ સરકારે 100 દીવસમાં મોંઘવારી ઘટાડીશું, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું, ભ્રષ્ટાચાર નાબુદ કરીશું, દરેકના ખાતામાં 15 લાખ જમા કરાવીશું. જેવા ઠાલા વચનો આપીને સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે 8 વર્ષોમાં તથા રાજય સરકારે 27 વર્ષોમાં માત્ર મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારનું કમળ ખીલવવાનું કામ કર્યું છે.

8 વર્ષ પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. ત્યારે કપાસીયા તેલનો ડબ્બો 1040માં મળતો હતો. જેને અત્યારે ભાજપ સરકારે 2.5 ગણા ભાવ વધારા સાથે 2600 સુધી પહોંચાડી દીધો છે. સીંગતેલ ડબ્બો 1370માં મળતો હતો. તેને 2700ની રોકોર્ડ સપાટી ઉપર પહોંચાડી દીધો છે. ગેસ સીલીન્ડર સબસીડી ગાયબ કરી દીધી છે. તેમજ 410માં મળતો બાટલો અત્યારે ડબલથી પણ વધારે 1060માં મળી રહ્યો છે. કઠોળના પ્રતિ કીલો સરેરાશ ભાવ 60-80 રહેતા, જેને 140-180 પર પહોંચાડી દીધા છે. શાકભાજીના ભાવ પ્રતિ કીલો સરેરાશ 10-20 હતા. તેને વધારીને અત્યારે 60-80 પહોંચાડી દેવામાં આવ્યા છે. પેટ્રોલ પ્રતિ લીટર 64માં મળતું હતું. તેને વધારીને 96 સુધી પહોંચાડી દેવામાં આવ્યું છે. તેમજ રોજેરોજ ભાવ વધી રહ્યા છે. ડીઝલ પ્રતિ લીટર 54 મળતું હતું. તેને 92 ઉપર પહોંચાડી દેવામાં આવ્યું છે. તેમાંય માછીમારોને આપવામાં આવતા બલ્ક ડીઝલના ભાવ તો બજાર ભાવ કરતા પણ પ્રતિ લીટર 15 વધુ વસુલવામાં આવે છે. જે સીએનજી 42 પ્રતિ કીલો મળતો હતો. તેના ભાવ ડબલ કરીને 84 પહોંચાડી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...