કાર્યક્રમ:પોરબંદરમાં આવેલ રવિન્દ્ર રંગમંચની બદતર હાલત

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકસમયે આ મંચ પર અનેક નાટકો અને કાર્યક્રમો યોજાતા હતા

શહેરના હૃદયસમા વિસ્તારમાં આવેલ રવિન્દ્ર રંગમંચની બદતર હાલત જોવા મળે છે. એકસમયે આ રંગમંચ પર અનેક નાટકો અને કાર્યક્રમો યોજાતા હતા. હાલ બિસ્માર સ્થિતિ હોવાથી કાર્યક્રમો થતા નથી. પોરબંદરના હ્રદયસમા વિસ્તાર એવા કમલાબાગ પાસે આવેલ રવિન્દ્ર રંગ મંચ ઘણા સમયથી જર્જરિત થયું છે.

પાલિકા હસ્તક આવેલ આ રંગમંચની યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલ આ રંગમંચ બિસ્માર બન્યો છે. રવિન્દ્ર રંગમંચ ભવ્ય ભૂતકાળ ધરાવે છે. અહીં અનેક નાટકો યોજાતા હતા તેમજ મ્યુઝિકલ પાર્ટી, વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હતું.

આ રંગમંચ ખાતે અનેક નામી અનામી કલાકારો આવ્યા હતા અને તેઓના કાર્યક્રમ નિહાળવા પોરબંદરની જનતાનો ઘસારો લાગતો હતો. અનેક કલાકારોએ આ મંચ પર ઉપસ્થિત રહી કાર્યક્રમો આપી પોરબંદરની શોભા વધારી છે. અનેક કાર્યક્રમો યોજાતા હતા પરંતુ ઘણા સમયથી આ રવિન્દ્ર રંગમંચની સ્થિતિ દયનિય બની છે. દીવાલો પર તિરાડો પડી ગઈ છે અને રૂમો પણ જર્જરિત બન્યા છે.

પટાંગણમાં ઝાડી ઝાંખરા ફેલાઈ ગયા છે તેમજ બ્લોક અને પથ્થરો ઉડી રહ્યા છે. એક સમયે આ રંગમંચ કલાના કસબીઓ અને કાર્યક્રમો નિહાડનાર રસિકો માટેનું ઘરેણું હાલ બિસ્માર જોવા મળે છે. કાર્યક્રમો થતા નથી અને અન્ય સ્થળે મસમોટા ભાડા ચૂકવીને કાર્યક્રમો યોજવા પડે છે જેથી રવિન્દ્ર રંગમંચનું જતન કરી સમારકામ કરી ખુલ્લો મુકવો જોઈએ તેવી માંગ ઉઠી છે.

સંસ્થાને જાળવણી માટે સોંપવાની હિલચાલ
રવિન્દ્ર રંગમંચ જર્જરિત બન્યો છે. આ રંગમંચની જાળવણી થાય અને નવીનીકરણ થાય તેમજ અહીં કાર્યક્રમો યોજાય તે માટે ખાનગી સંસ્થાને આ કામગીરી સોંપવાની હિલચાલ ચાલી રહી હોવાનું પાલિકા સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...