માંગ:સિવીલ હોસ્પિટલમાં ઓપરેટર 4 દિવસથી ન આવતા સીટી સ્કેન માટે દર્દીઓ રઝળ્યા

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં સીટી સ્કેન મશીનના ઓપરેટરની નિમણૂંક કરવા માંગ ઉઠી

પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં અનેક તબીબોની જગ્યાઓ ખાલી પડી છે નો અહેવાલ હજુ હમણા જ છપાયો હતો ત્યાં છેલ્લા 4 દિવસથી સીટી સ્કેન મશીન ઓપરેટર પણ ન આવતા દર્દીઓ હેરાન પરેશાન થઇ ગયા છે. દર્દીઓને હોસ્પિટલના આવા અણઘડ વહીવટને કારણે ના છૂટકે ખાનગી હોસ્પિટલોમાં મસમોટી ફી ચૂકવીને સીટી સ્કેન કરાવવું પડી રહ્યું છે.

પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં તબીબી સ્ટાફની જગ્યા ખાલી હોવાના કારણે દર્દીઓને અગવડતા પડી રહી છે. શહેર અને છેવાડાના ગ્રામ્ય પંથકમાંથી આવતા દર્દીઓને હોસ્પિટલમાં જરૂરી તબીબી સ્ટાફના અભાવે હાડમારી વેઠવી પડી રહી છે તે ઓછું હોય તેમ છેલ્લા 4 દિવસથી સીટી સ્કેન મશીન ઓપરેટર પણ ન આવતા દર્દીઓને અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે. હોસ્પિટલમાં સીટી સ્કેનનું મશીન હોવા છતાં ભાવસિંહજી હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારીને કારણે છતી સગવડે દર્દીઓને વંચીત રહેવું પડી રહ્યું છે.

દર્દીઓને ઘણી ગંભીર બિમારીઓમાં તથા અકસ્માતોના કિસ્સામાં તાત્કાલીક સીટી સ્કેન ન થતું હોવાથી જીવનું પણ જોખમ રહેતું હોય છે અને દર્દીઓને નાછૂટકે વધુ પૈસા ખર્ચીને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે મજબૂર બનવું પડે છે. હોસ્પિટલનું તંત્ર ખાડે ગયું હોવાથી સગવડ ઉપલબ્ધ હોવા છતાં યોગ્ય મેનેજમેન્ટના અભાવે દર્દીઓને લાભ મળતો નથી. છેલ્લા 4 દિવસથી સીટી સ્કેન મશીન ઓપરેટરના વાંકે દર્દીઓ રઝડી રહ્યા હોવાથી તાત્કાલીક ધોરણે અહીં સીટી સ્કેન મશીન ઓપરેટરની નિમણૂંક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...