તંત્રના પ્રયાસ:647 જેટલા 80થી વધુ ઉમર ધરાવતા અને દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટ દ્વારા ઘરબેઠા મતદાન કર્યું

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં 80 ટકા મતદાન થાય તેવા લક્ષ્યાંક સાથે તંત્રના પ્રયાસ : 177 જેટલા સંવેદનશિલ મતદાન મથકો

પોરબંદર અને કુતિયાણામાં સૌથી વધુ મતદાન થાય અને 80 ટકા જેટલું મતદાન થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 647 જેટલા 80થી વધુ ઉમર ધરાવતા અને દિવ્યાંગ મતદારોએ ઘર બેઠા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું છે. 177 જેટલા સંવેદનશિલ મતદાન મથકો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ લાવવા તેમજ 80 ટકા જેટલું મતદાન પોરબંદર અને કુતિયાણાની બેઠક પર થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું કલેકટરે જણાવ્યું છે.

83 પોરબંદરની બેઠક પર 11 ઉમેદવારો અને 84 કુતિયાણા બેઠક પર 13 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. 494 મતદાન મથક પર 4.92 લાખ મતદારો તા. 1 ડિસેમ્બર 2022ના રોજ મતદાન કરશે. મહત્વની વાત એ છેકે, 246 મતદાન મથક પર વેબ કાસ્ટીંગ કરવામાં આવશે જેની કન્ટ્રોલ રૂમ ખાતે દેખરેખ કરવામાં આવશે. ઉપરાંત 177 જેટલા સંવેદનશીલ મતદાન મથક છે જ્યાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગત ટર્મ કરતા આ વખતે બંને બેઠક પર મહતમ મતદાન થાય તે માટે 80 ટકા મતદાન નો લક્ષ્યાંક સાથે રાખી પ્રયાસ હાથ ધર્યા છે.

જિલ્લા કલેકટર અશોક શર્માએ જણાવ્યું હતુંકે, ગત ટર્મ માં ઓછું મતદાન થયું તેના કારણો તપાસવામાં આવ્યા હતા. જેમાં શ્રમિકો વિસ્તારમાં પ્રચાર પ્રસાર વધાર્યો છે તેમજ કુતિયાણામાં ગ્રામ્ય વિસ્તારમાં બહેનોએ ઓછું મતદાન કર્યું છે ત્યાં પણ મતદાન જાગૃતિ અંગે પ્રચાર પ્રસાર વધાર્યો છે. જે લોકો દિવ્યાંગ છે અને 80 થી વધુ વય ધરાવતા વૃદ્ધ નાગરિક કે જેઓ મતદાન મથક સુધી પહોંચી શકવામાં સક્ષમ નથી તેવા લોકો મતદાન કરી શકે તે માટે બીએલઓ ગામે ગામ ગયા હતા અને 100 ટકા સર્વે કરી 12 ડી ફોર્મ ભરાવી આવા અશક્ત નાગરિકોને ઘર બેઠા પોસ્ટલ બેલેટ વડે મતદાન કરાવ્યું હતું. જેમાં 647 નાગરિકોએ મતદાન કર્યું છે.

નિર્ભય બનીને મતદાન કરજો : કલેક્ટર
જિલ્લા કલેકટર શર્માએ જણાવ્યું હતુ કે, 2800 કર્મીઓ ચૂંટણી કામગીરીમાં જોડાયા છે. લોકોએ ડરવાની જરૂર નથી. પોલીસ ઉપરાંત ફોર્સના જવાનો સુરક્ષા વ્યવસ્થામાં છે. 246 મતદાન મથક ખાતે વિડિયો કેમેરા હશે. નીડર બની ને કોઈપણ ભય વગર લોકશાહી ના આ પર્વમાં જોડાઈ નાગરિકોએ મતદાન કરવું તેવી અપીલ કરવામાં આવી છે.

વૃદ્ધો અને દિવ્યાંગ મતદારને બિરદાવાશે
જિલ્લા કલેકટરે જણાવ્યું હતુંકે, ગત ટર્મ માં ઓછું મતદાન થયું હતું તેવા વિસ્તારના મતદારો મતદાન માટે આવશે તેઓને બિરદાવવામાં આવશે. ખાસ કિસ્સામાં દિવ્યાંગ મતદારો તથા સિનિયર સિટીઝન મતદારોને આભારપત્ર આપવામાં આવશે. ખાસ વિશિષ્ટ મતદારોને સન્માન કરવામાં આવશે.

બન્ને પક્ષના ઉમેદવારોને નોટીસ આપી
વિધાનસભા ની ચૂંટણી અનુસંધાને પોરબંદરમાં બન્ને પક્ષના ઉમેદવારે સોશ્યલ મીડિયામાં જાહેરાત કરી હતી. આવી જાહેરાત અંગે તંત્રને જાણ કરી ન હતી. જેથી જેટલા લોકો આ જાહેરાત જોશે તેટલો ખર્ચ ઉમેદવાર પર નાખવામાં આવશે. તેઓને આ અંગે નોટીશ આપી છે તેવું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.

10 ફરિયાદ, 53 રજૂઆત
જિલ્લા કલેકટર શર્માએ જણાવ્યું હતું કે, ચૂંટણી લક્ષી કોઈપણ ફરિયાદ માટે સીવીજીલ એપ્સ ઉપયોગી છે. 100 મિનિટથી ઓછા સમયમાં જેતે ફરિયાદ અંગે તપાસ કરી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. આચાર સંહિતા ભંગની 53 જેટલી રજૂઆત થઈ છે જેનો નિકાલ કરી દેવામાં આવ્યો છે જ્યારે 10 ફરિયાદ મળી છે જેમાંથી 6 નો નિકાલ થયો છે અને 4 ફરિયાદ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...