આયોજન:આર્ય કન્યા ગુરૂકુલ ગુજરાતી માધ્યમમાં ધો.10 અને 12ની શુભેચ્છા સભા યોજાઈ

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પટ્ટાવાળાથી લઈને પ્રિન્સીપાલ સુધીના બધાજ પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી અભિવ્યક્ત કરી

બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમમાં સંસ્થાના માનદ્દમંત્રી સુરેશભાઈ કોઠારીની ઉપસ્થિતિમાં એક શુભેચ્છા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિષ્ના દવેએ સમગ્ર ગુરુવૃંદ તથા ધોરણ 10ના વિષય શિક્ષકોની દરેક ખૂબીનું વર્ણન કરતા પટ્ટાવાળાથી લઈને પ્રિન્સીપાલ સુધીના બધાજ પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી અભિવ્યક્ત કરી હતી તો,ઓડેદરા ગીતાએ પણ વિદ્યાર્થીનીઓ સાથેના ખાટામીઠા સંભારણા પ્રસ્તુત કરી પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી, પરમાર મિતલે ગુરુકુલ અભ્યાસ દરમિયાન મળતી સિધ્ધિઓનું વર્ણન કરતા બધાનો ખૂબ આભાર માન્યો હતો.

સંગીત વિભાગના સંગીત ગુરુ જગદીશભાઈ વાઘેલા તથા હર્ષાબેન દેસારીએ સંગીત બધ્ધ કરેલા ગીતો ગાયકવૃંદે રજૂ કર્યા હતા. ગુરુકુલ પ્રણાલિકા મુજબ શ્રેણી 5 થી 12 ધોરણ સુધી ગુરુકુલમાં અભ્યાસ કરતી દીકરીઓનું માનદ્દમંત્રી સુરેશભાઈ કોઠારીએ પુષ્પગુચ્છ દ્વારા અભિવાદન કર્યું હતું. વર્ષ દરમિયાન વિશિષ્ટ કામગીરી બદલ દીકરીઓને મધર ટેરેસા હેલ્પ એવોર્ડ સુરેશભાઈ કોઠારી, વંદનાબેન શર્મા, આચાર્યા તથા સુપરવાઈઝર વિભાબેન મોઢાના હસ્તે અર્પણ કરાયા હતા. સમગ્ર સભાનું સંચાલન ડો.રંજના મજીઠીયાએ કર્યું હતું. સંસ્થાના પ્રોવોસ્ટ ડો.અનુપમ નાગર તથા સમગ્ર ટ્રસ્ટીઓએ દીકરીઓને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...