તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:1.05 કરોડના ખર્ચે વિકાસના કામોને મંજૂરી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાની બેઠક યોજાઇ : માદરે વતન યોજનાની કામગીરી દ્વારા વિકાસના કામો થશે

પોરબંદર જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી જેમાં રૂ.1.05 કરોડના ખર્ચે વિકાસના કામોને સર્વનુમતે મંજૂરી આપવામાં આવી હતી. માદરે વતન યોજનાની કામગીરી દ્વારા વિકાસના કામોની અમલવારી કરવા જણાવવામાં આવ્યું હતું. પોરબંદરમાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન કારાવદરાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી, અન્ય વિભાગોના અધિકારી તેમજ પંચાયતના સભ્યોની ઉપસ્થિતમા આ સભા યોજાઈ હતી.

બેઠકમાં અગાઉની સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી તેમજ ગત બેઠકની કાર્યવાહીની અમલવારીની સમીક્ષા, જિલ્લા પંચાયતના સ્વભંડોળ વર્ષ 2021-22 માંથી હાથ ધરવાના થતા કામો સબંધે નિર્ણય લેવાયો હતો. જીઇએમ પોર્ટલ પરથી કરેલ ચીજ વસ્તુઓની ખરીદી ને મંજુર કરવામાં આવી હતી તેમજ અનુ આદિજાતિ તથા અન્ય પછાત વર્ગના સામાજિક, શૈક્ષણિક, આર્થિક ઉત્થાનના હેતુના જિલ્લા પંચાયતના સ્વભંડોળ વર્ષ 2021-22 માંથી હાથ ધરવાના કામો સંબંધે નિર્ણય લેવામાં આવ્યો હતો.

રૂ. 1.05 કરોડના ખર્ચે ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યો સ્વભંડોળ માંથી કરવામાં આવશે તેની મંજૂરી મળી હતી. જેમાં ગામમાં ડોમ બનાવવા, પેવર બ્લોક પાથરવા, કોરોના વચ્ચે પીએચસી અને આરોગ્ય કેન્દ્ર ખાતે સાધનો ખરીદવા સહિતના કામો મંજુર કર્યા હતા.

સભામાં પ્રશ્નોતરી જ ન થઈ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં મુદ્દા નંબર 2 પર પ્રશ્નોતરી કરવાની હતી પરંતુ બેઠકમાં કોઈ પ્રશ્નોતરી કરવામાં આવી ન હતી.

વિકાસના કામ માટે 50 ટકા દાન આપી નામકરણનો લાભ મળશે
માદરે વતન યોજના અંતર્ગત વિકાસના કામ માટે 50 ટકા દાન આપી નામકરણનો લાભ મળશે તેવું સભામાં જણાવ્યું હતું.

માદરે વતન યોજના હેઠળ દાતાઓ કેવા પ્રકારના વિકાસમાં દાન આપી શકશે ?
માદરે વતન યોજના અંતર્ગત દાતા દ્વારા ગામનું પ્રવેશ દ્વાર, પરબ, શાળાના ઓરડા, પુસ્તકાલય, રમતનું મેદાન, કોમ્યુનિટીહોલ, આરોગ્ય કેન્દ્ર, રસ્તા, ચોક, સ્ટ્રીટલાઈટ, હવાડો, બગીચો, એસટી બસ સ્ટેન્ડ, પશુ દવાખાનું સહિત વિકાસના કામમાં દાન આપી શકશે.​​​​​​​

ટેક્નિકલ સેક્શન ન મળતા સભામાં મુદ્દો ઉઠાવ્યો
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન કારીબેનના પતિ જગમાલ વરૂએ સભામાં જણાવ્યું હતું કે 5 ચૌટા બેઠકમાં મત વિસ્તારમાં જે સદસ્યના વિકાસની ગ્રાન્ટ માંથી ટેક્નિકલ સેક્શન મળવા પામેલ ન હતું તે મુદ્દો કહ્યો હતો અને હાલ મા કાર્ડ કામગીરી બંધ છે તે અંગે મુદ્દો ઉઠાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...