આદેશ:પોરબંદરમાં મેડીકલ કોલેજ માટે સ્ટાફની ભરતી કરવા સરકાર દ્વારા મંજૂરી અપાઇ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ કોલેજ માટે 481 સ્ટાફની ભરતી માટે સરકારે આદેશ કર્યો, જેસીઆઇ પોરબંદરની રજૂઆતને સફળતા

પોરબંદર જિલ્લામાં ત્રણ વર્ષ પહેલાં મેડિકલ કોલેજ માટે રૂ. 551 કરોડની રકમ ફાળવવામાં આવી હતી, પરંતુ મેન પાવરના અભાવે આ મેડિકલ કોલેજને નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવતી નહોતી.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરે તા. 24/12/2020ના રોજ કેન્દ્રીય પુરસ્કૃત યોજના ફેસ3 અંતર્ગત ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હસ્તક પોરબંદર ખાતે નવી મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવેલ હતી. આ મેડિકલ કોલેજ માટે નેશનલ મેડિકલ કાઉન્સિલ નવી દિલ્હી દ્વારા તા. 11/8/2021ના રોજ પોરબંદર ખાતે ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. તેની સુનાવણી તા. 12/10/2021ના રોજ રાખવામાં આવેલ હતી.

તે સુનાવણીમાં નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ કરવા માટે પૂરતી સુવિધાઓ અને મેનપાવર નહીં હોવાનું જણાવી નવી મેડિકલ કોલેજ નામંજૂર કરી હતી, ત્યારે જેસીઆઇ પોરબંદર દ્વારા રી-ઇન્સ્પેકશન માટે માગણી કરવામાં આવી હતી અને રી-ઇન્સપેકશનની માગણી સ્વીકારી તા. 4/3/2022ના રોજ ફરી વખત કેન્દ્રીય ટિમ પોરબંદર ઇન્સપેક્શન માટે આવી હતી.

જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ તા. 18/11/2021ના રોજ રાજ્યના આરોગ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી તથા તા. 27/11/2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીઓને વિગતવાર પત્ર પાઠવીને પોરબંદરની ચાલુ વર્ષમાં જ આ મેડિકલ કોલેજ શરૂ કરવા માટે જરૂરી ખૂટતી સુવિદ્યાઓ અને સ્ટાફની ભરતી કરવા રજુઆત કરી હતી.

સરકારને વારંવાર રજુઆત કરવામાં આવતા, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પોરબંદર મેડિકલ કોલેજ માટે વર્ગ 1 થી 4ની કુલ 481 જગ્યાઓ માટે ભરતી કરવાની મંજૂરી આપવામાં આવતાં જેસીઆઇ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...