યુવાનોએ આક્રોશ ઠાલવ્યો:નોકરીના ઓર્ડર આપો અથવા ઇરછા મૃત્યુની મંજૂરી આપો, પોરબંદર જિલ્લા કલેકટર કચેરી ખાતે રજુઆત

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહોળી સંખ્યામાં ઉમેદવારોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું, રબારી, ચારણ, ભરવાડ સમાજનાં યુવાનોએ આક્રોશ ઠાલવ્યો

નોકરીના ઓર્ડર આપો અથવા ઇરછા મૃત્યુની મંજૂરી આપો તેવું જણાવી રબારી, ચારણ, ભરવાડ સમાજનાં યુવાનોએ આક્રોશ ઠાલવી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે. પોરબંદર જિલ્લા કલેકટર કચેરી ખાતે રબારી, ભરવાડ, ચારણ સમાજના યુવાનોએ જણાવ્યું હતુંકે, તેઓ અનુસૂચિત જનજાતિ સમાજના છે.

રાષ્ટ્રપતિ દ્વારા તા. 29/10/1956ના જાહેરનામા અંતર્ગત ગીર, બરડા અને આલેચના જંગલના નેશ વિસ્તારના રબારી, ભરવાડ અને ચારણને અનુસૂચિત જનજાતિ જાહેર કરી છે. સક્ષમ અધિકારી દ્વારા અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર કાઢી આપવામાં આવેલ છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીઓ જેવીકે, લોકરક્ષકદળ, પીજીવીસીએલ, રાજ્ય પરિવહન નિગમ, જીપીએસસી અને અન્ય ભરતીઓમાં સીલેક્ટ થયેલ છે. પરંતુ જાતિ પ્રમાણપત્રની ચકાસણીના બહાને આ યુવાનોને નિમણુંક આપવામાં આવી નથી. વધુમાં જણાવ્યું હતુંકે, સર્વોચ્ચ ન્યાયાલયના ખાસ દિવાની અપીલના ચુકાદામાં આપેલ ગાઈડલાઈન મુજબ પ્રમાણપત્રની ચકાસણીમાં નિયત કરેલ 10 દિવસ ઉપરનો સમય લાગે તો પ્રોવિઝનલ નિમણુંક આપવી.

આ કિસ્સામાં પ્રોવિઝનલ નિમણુંક આપવામાં આવેલ નથી. હાલ પણ આ કિસ્સામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રોવિઝનલ નિમણુંક આપવાના આદેશ કરેલ હોવાછતાં નિમણુંક આપવામાં આવેલ નથી. સરકાર અન્યાય કરી રહી છે. ઉચ્ચકક્ષાએ રજુઆત પણ કરેલ છે. આમછતાં નોકરીમાં નિમણુંક ન મળતા સરકારની આ નિતીના કારણે અનુસૂચિત જનજાતિના બે વ્યક્તિએ આપઘાત પણ કરી લીધેલ હતો.

સરકાર દ્વારા કોઈ નિમણુંક આપવામાં આવરી નથી. નોકરીથી વંચિત રહેતા આવા ઉમેદવારોને નુકશાન થઈ રહ્યું છે. આથી સરકારી નોકરીના ઓર્ડર આપો અથવા ઇરછા મૃત્યુની મંજૂરી આપવામાં આવે તેવી રજુઆત સાથે ઉમેદવારોએ આક્રોશ ભેર જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

રજૂઆતો છતાં પરિણામ નહીં
ઉમેદવારોએ જણાવ્યું હતુંકે છેલ્લા 3 વર્ષથી નોકરી ની નિમણુંક મળે તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી છે છતાં પરિણામ મળતું નથી. નોકરીથી વંચિત રહેતા આ ઉમેદવારોનું સ્વપ્ન રોળાઈ રહ્યું છે.

3 વર્ષથી ઉમેદવારોને નિમણુંક મળી નથી
જિલ્લા કલેકટરને આવેદન પાઠવવા આવેલ ઉમેદવારોએ જણાવ્યું હતુંકે, જાતિ પ્રમાણપત્રની ચકાસણીના બહાને છેલ્લા ત્રણ વર્ષથી ઉમેદવારો સિલેક્ટ થયેલ હોવા છતાં નોકરી અંગેની નિમણુંક આપવામાં આવી નથી.

કેટલા યુવાનો આવેદનમાં જોડાયા ?
પરબંદર જિલ્લા કલેકટર કચેરી ખાતે બહોળી સંખ્યામાં ઉમેદવારો આવેદન પત્ર પાઠવવા આવ્યા હતા જેમાં 16 યુવાનોએ ઇચ્છામૃત્યું અંગે મંજૂરી માંગી છે જ્યારે અન્ય ઉમેદવારો તેમના સમર્થનમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...