પેરેડાઈઝ સુપર માર્કેટની 60 દુકાનોની હરરાજી માટે પ્રથમ પ્રયાસે માત્ર 3 પાર્ટીએ જ ડિપોઝિટ ભરી હાજર રહ્યા હતા જેથી હરરાજી મોકૂફ રાખવામાં આવી હતી બાદ બીજા પ્રયાસે એકપણ પાર્ટી આગળ આવી ન હતી. પોરબંદરમાં દાયકાથી પણ વધુ સમયથી પેરેડાઈઝ પાસે સુપર માર્કેટ બનાવવામાં આવી હતી.
આ માર્કેટ જર્જરિત થઇ જતા ફરીથી સમારકામ કરાવી તંત્રએ આખરે જાહેર કર્યું હતુંકે, 60 જેટલી દુકાનો 9 વર્ષના ભાડા કરારથી પાઘડી લઈને આપવાની છે. એક દુકાનનું માસિક ભાડું રૂ. 10,588 થી માંડીને વધુમાં વધુ ભાડું રૂ. 27,102 રાખવામાં આવ્યું છે.
આ ભાડા પર જીએસટી અલગ રાખવામાં આવ્યો છે તેમજ ડિપોઝિટ પેટે ઓછામાં ઓછાં રૂ. 3 લાખ અને વધુમાં વધુ રૂ. 6 લાખ અપસેટ પ્રાઇઝ રાખવામાં આવી છે. દુકાનોની સાઈઝ તેમજ અંદર બહારના ભાગની દુકાનો આધારે ભાવો અને ડિપોઝિટ નક્કી કરવામાં આવી છે.
પાલિકા તંત્રએ જણાવ્યું હતુંકે, આ ભાવ માર્ગ અને મકાન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે પ્રથમ પ્રયાસે ગત તા. 17/10ના રોજ દુકાનોની હરરાજી પાલિકા ખાતે રાખવામાં આવી હતી, પરંતુ 60 જેટલી દુકાનોની હરરાજી હતી પરંતુ 3 પાર્ટી એ જ ડિપોઝિટ ભરી હતી અને 3 પાર્ટી હરરાજીમાં આવી હતી જેથી આ હરરાજી મોકૂફ રાખવામાં આવી હતી.
અને બાદ પાલિકા દ્વારા બીજો પ્રયાસ કરી હરરાજી અંગે જાહેરાત કરવામાં આવી હતી. તા. 15/11ના હરરાજી હતી પરંતુ હરરજીનો આ બીજો પ્રયાસ પણ ફેઈલ થયો છે. દુકાનો ભાડે રાખવા એક પણ પાર્ટી તૈયાર થઈ ન હતી અને એક પણ વેપારીએ ડિપોઝિટ ભરી નથી જેથી આ હરરાજીનો બીજો પ્રયાસ પણ ફેઇલ થયો છે.
ચૂંટણી બાદ હરરાજી અંગે નિર્ણય લેવાશે : પાલિકા
માર્કેટની 60 જેટલી દુકાનોની પ્રથમ અને બીજા પ્રયાસમાં હરરાજી કરવામાં આવી હતી અને બન્ને વખત હરરાજીના પ્રયાસ ફેઇલ જતા હવે ચૂંટણી બાદ નવેસરથી હરરાજીનો ત્રીજો પ્રયાસ કરવો કે સરકારમાં રજુઆત કરવી તે અંગે ચૂંટણી બાદ કમિટી નિર્ણય લેશે તેવું પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું.
ભાડા દરમાં ઘટાડો જરૂરી
પેરેડાઈઝ સુપર માર્કેટની 60 જેટલી દુકાનોનું માસિક ભાડું વધારે છે. જેથી અન્ય કોઈ પાર્ટીએ ડિપોઝિટ ભરી ન હોવાની ચર્ચા થઈ રહી છે, હાલ મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે દુકાનનું ભાડું, જીએસટી,માણસોના પગાર, લાઇટબીલ સહિતનો ખર્ચ કરવામાં આવે તો વેપારીઓને આ ભાડામાં નુકશાની થાય તેવા હિસાબો પણ ચર્ચાઈ રહ્યા છે. અને એટલેજ બે વખત દુકાનોની હરરાજીમાં કોઈ વેપારી આગળ આવ્યા ન હોવાનું મનાઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.