પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં એક દર્દીને પગમાં ઇજાઓ થતાં તેને ઓપરેશન કરવાની જરૂર પડી હતી પરંતુ હોસ્પિટલ દ્વારા આ દર્દીનું એક સપ્તાહ સુધી ઓપરેશન ન કરાવી શકતા પોરબંદર કોંગ્રેસ દ્વારા આ હોસ્પિટલમાં પાયાની સુવિધાઓ આપવા માટે માંગ કરી છે. પોરબંદર કોંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ઓડદર ગામે રહેતા વિનુ લાલજી ડફેર નામના વ્યક્તિ અકસ્માતે પડી જતાં તેને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલમાં લવાયા હતા.
આ દર્દીને પગમા ઓપરેશન કરવાની જરૂરિયાત હોય પરંતુ હોસ્પિટલમાં એનેસ્થેટિક ડોક્ટર નહીં હોવાને કારણે આ દર્દીનું એક સપ્તાહ સુધી ઓપરેશન નહીં થતા દર્દી મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. આ દર્દીની આર્થિક સ્થિતિ પણ નબળી હોવાથી તેમણે કોંગ્રેસના આગેવાન રામદેવભાઈનો સંપર્ક કરતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને હોસ્પિટલમાં રજૂઆત કરી હતી. પરંતુ હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં એનેસ્થેટિક ડોક્ટરના અભાવે ઓપરેશન થઇ શકે તેમ નથી. તેથી કોંગ્રેસ દ્વારા હોસ્પિટલમાં તાત્કાલિક એનેસ્થેટિક ડોક્ટરની નિમણૂક કરવા માંગ કરી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.