ઓમકારેશ્વર મહાદેવ મંદિરનું અનેરૂં મહાત્મ્ય:20 વર્ષ પહેલા પોરબંદરમાં મંદિરનું નવનિર્માણ કરાયા બાદ અહીં આખા વર્ષ દરમિયાન લાગે છે ભાવિકોની લાંબી કતારો

પોરબંદર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં ઓમકારેશ્વર મહાદેવના મંદિરનું અનુરું મહાત્મ્ય છે, 20 વર્ષ પહેલા મંદિરનું નવનિર્માણ કરાયા બાદ અહીં આખા વર્ષ દરમિયાન ભાવિકોની લાંબી કતારો લાગે છે.શિવજીને પ્રિય શ્રાવણ માસના પ્રારંભથી જ શિવ મંદિરોમાં ભાવિકો દર્શનાર્થે આવે છે. અને શિવજીને પ્રિય શ્રાવણ માસમાં શિવભક્તો પણ શિવજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.

શિવાલયોમાં દર સોમવારે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો
પોરબંદર જિલ્લાના શિવાલયોમાં આનંદ ઉચ્ચાહથી ભક્તજનો દર્શનાર્થે ઉંમટી પડે છે, અને શિવાલયોમાં દર સોમવારે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે શહેરમાં આવેલ ઉદ્યોગ નગર સોસાયટીમાં વર્ષ 2002 માં ઓમકારેશ્વર મહાદેવના મંદિરનું નવનિર્માણ કરાયા બાદ અહીં ઓમકારેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ઉદ્યોગ નગર વાસીઓએ આ મંદિરનું નવ નિર્માણ કર્યું છે. ઓમકારેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા 20 વર્ષ પહેલા ઓમકારેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ અહીં નૈસર્ગિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.

શ્રાવણ માસના પ્રારંભથી જ મંદિરમાં શિવભક્તો દર્શનાર્થે આવે છે
આ મંદિરનું પાટાંગણ 1000 વારથી પણ વધુ જગ્યામાં ફેલાયેલું છે. અને ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મસમોટા વૃક્ષો, ફુલછોડ સહિત ઉચ્ચેરવવામાં આવ્યા છે. આખા વર્ષ દરમિયાન અહીં આસપાસના સ્થાનિક લોકો વડીલો તેમજ પર્યટકો પણ આવે છે, ત્યારે શ્રાવણ માસના પ્રારંભથી જ મંદિરમાં શિવભક્તો દર્શનાર્થે આવી ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં બે સત્સંગ હોલ બનાવવામાં આવ્યા છે. જેમાં નિયમિત રીતે વડીલો સત્સંગ કીર્તન કરે છે. શ્રાવણ માસના દર સોમવારે તેમજ મહાશિવરાત્રી અને જન્માષ્ટમી સહિતના તહેવારોની વિશિષ્ટ ઉજવણી ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં કરવામાં આવતી હોવાનું જણાવવામાં આવ્યું છે. આમ પોરબંદર વાસીઓ માટે ઓમકારેશ્વર મહાદેવનું અનેરું મહાત્મ્ય છે.

શ્રાવણ મહિનાના દર સોમવારે વિશિષ્ટ દર્શન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ઓમકારેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિના જણાવ્યા મુજબ ઓમકારેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના દર સોમવારે અહીં વિશિષ્ટ દર્શન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમજ જન્માષ્ટમીની અને મહાશિવરાત્રીની ઉજવણી કરાય છે. દર સોમવાર અને અમાસના દિવસે ઓરકેસ્ટ્રા પર મહા આરતી, શિવ ભજનની સાથો સાથ અનેકવિધ ધાર્મિક પ્રસંગો યોજવામાં આવે છે. અને બાર જ્યોતિર્લિંગ, શિવ વિવાહ, શિવ દરબાર તેમજ અનાજ કલરની રંગોળીના વિશેષ દર્શન યોજવામાં આવે છે.

સો ફૂટ લાંબી બરફની ગુફાના દર્શન યોજાય
શ્રાવણ માસ દરમિયાન સોમવારના દિવસે એક વખત અહીં દર વર્ષે 100 ફૂટ લાંબી બરફની ગુફાના દર્શનનું આયોજન કરવામાં આવે છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ 8 ઓગસ્ટને શ્રાવણ મહિનાના બીજા સોમવારના દિવસે 100 ફૂટ લાંબી બરફની ગુફાના અવનવા ફ્લોટ્સ સાથે દર્શન યોજવામાં આવશે. અમરનાથની ગુફાના દર્શનનો લ્હાવો લઈ શિવ ભક્તો ધન્યતા અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે...