તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:વરસાદની આગાહીને પગલે NDRF ની ટીમ તૈનાત કરાઇ

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 1 થી 4 ઇંચ વરસાદ

પોરબંદર જિલ્લામાં મોડે મોડે જન્માષ્ટમી બાદ મેઘરાજાએ પધરામણી કરતા છેલ્લા 24 કલાકમાં 1 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી જતા જીલ્લાના મગફળી અને કપાસના પાકને નવજીવન મળ્યું છે. હજુ વધુ 4 દિવસ વરસાદની આગાહીના પગલે પોરબંદર જિલ્લામાં NDRF ની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

પોરબંદર જિલ્લામાં આ ચોમાસે વરસાદ ખેંચાતા લોકો મેઘરાજાની ચાતક નજરે રાહ જોઇ રહ્યા હતા. વરસાદ વિના જન્માષ્ટમીના તહેવારો પણ ફીક્કા બની ગયા હતા પરંતુ જન્માષ્ટમી બાદ ગઇકાલથી શરૂ થયેલો વરસાદ ગઇકાલ રાત્રીના અને આજે દિવસભર વરસતા જિલ્લામાં વાવેલા મગફળી અને કપાસના પાકને મોટો ફાયદો થયો છે.

પોરબંદર જીલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન પોરબંદર તાલુકામાં 97 મીમી, રાણાવાવ તાલુકામાં 93 મીમી અને કુતિયાણા તાલુકામાં 25 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જિલ્લાના કુતિયાણામાં મોસમનો કુલ વરસાદ 384 મીમી સાથે 50.53 ટકા, પોરબંદરમાં 371 મીમી સાથે 53.17 ટકા અને રાણાવાવમાં 331 મીમી સાથે 42.76 ટકા નોંધાયો છે. તે સિવાય જિલ્લાના બરડા પંથકમાં પણ ગઇકાલે દિવસને રાત્રી દરમિયાન સારે એવો વરસાદ વરસી જતા ફટાણા ગામેથી જાલેશ્વર જવાના રસ્તે વર્તુ નદીનો જયાં ફાંટો પડે તે કમંડળ નદીમાં નવા નીરની આવક થઇ છે.

તેવી જ રીતે જિલ્લાના ઘેડ વિસ્તારમાં પણ ગત રાત્રીથી વરસાદી માહોલ બંધાયા બાદ આજે વહેલી સવારે માધવપુર સહિતના ઘેડના ગામડાઓ પાતા, ચિંગરીયા, મંડેર, બળેજ સહિતના ગામોમાં સારો એવો વરસાદ નોંધાયો છે. ઉપરાંતમાં વરસાદ હજુ ચાર દિવસ વધુ વરસે તેવી આગાહીના પગલે બરોડાથી 25 જવાનોની એક NDRF ની ટીમને પણ પોરબંદરમાં મોકલી દેવામાં આવી છે અને વરસાદને લીધે કોઇપણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તે માટે સુસજ્જ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...