સિનિયર સિટીઝનોને મુશ્કેલી:લોકમેળા ગ્રાઉન્ડ ફરતે લોખંડના ગેઇટ બનાવી તાળા મારી દેવાયા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેલાડીઓના વાહન બહાર પાર્ક કરવા પડે, મંદિર સુધી પહોંચવા સિનિયર સિટીઝનોને મુશ્કેલી

પોરબંદરના લોકમેળા ગ્રાઉન્ડને લોક મારી દેવાયું છે. ગ્રાઉન્ડ ફરતે લોખંડના ગેઇટ બનાવી તાળા મારી દેવાતા રોષ ભભુકી ઉઠયો હતો. ખેલાડીઓ સહિતના લોકોના વાહન બહાર પાર્ક કરવા પડે છે ત્યારે મંદિર સુધી પહોંચવા સિનિયર સિટીઝનોને મુશ્કેલી તેમજ ચકડોળ ધારકોને રોજીરોટીનો સવાલ ઊભો થયો છે.

પોરબંદરમાં ચોપાટી પાસે રાજાશાહી વખતનું લોકમેળા ગ્રાઉન્ડ આવેલ છે. આ લોકમેળા ગ્રાઉન્ડ ફરતે તંત્ર દ્વારા લોખંડના ગેઇટ બનાવી મૂકવામાં આવ્યા છે અને ગેઈટ પર તાળા મારી દેવામાં આવ્યા છે. આ મેળા ગ્રાઉન્ડ ફરતે 7 જેટલા લોખંડના ગેઇટ બનાવી તાળા મારી દેવાતા અનેક લોકો રોષે ભરાયા હતા.

ગ્રાઉન્ડમાં રામદેવજી પ્રભુનું મંદિર, મહાદેવનું મંદિર આવેલ છે અને ભાવિકો અહી નિયમિત દર્શને આવતા હોય છે. ઉપરાંત આ મંદિરે ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે. આ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ છે અને ક્રિકેટ ખેલાડીઓ ક્રિકેટ રમે છે, પ્રેક્ટિસ કરે છે. ઉપરાંત આ ગ્રાઉન્ડ ખાતે ચકડોળ ધારકો પોતાની ચકડોળ રાખી રોજીરોટી મેળવી રહ્યા છે.

ત્યારે અહી તાળા મારી દેવાતા લોકોને પોતાના વાહનો બહાર પાર્ક કરવા પડે છે. અને અંદર વાહન પ્રવેશી શકતું નથી જેના કારણે, મંદિરે આવતા ભાવિકોને બહાર વાહન પાર્ક કરી જવું પડે છે જેથી સિનિયર સિટીઝનો ને મંદિર સુધી પહોંચતા ભારે મુશ્કેલી પડે છે. અને ચકડોળ ધારકોને પોતાની રોજીરોટી નો સવાલ ઊભો થયો છે જેને કારણે ખેલાડીઓ, સિનિયર સિટીઝન અને ચકડોળ ધારકોએ રોષ વ્યક્ત કરી દરવાજા ખોલવામાં આવે તેવી માંગ કરી છે.

ગ્રાઉન્ડમાં ગંદકીના ગંજ ખડકાયા
મેળા ગ્રાઉન્ડ ફરતે દરવાજા બનાવીને તાળા મારી દેવામાં આવ્યા છે અને અંદર પ્રવેશવા માટે જગ્યા મૂકી છે પરંતુ મંદિર સાઈડના દરવાજા પાસે જ ગંદકીના ગંજ ખડકાયા છે અને લોકોને અંદર પ્રવેશતા જ કચરા અને ગંદકી વચ્ચેથી પસાર થવું પડે છે. અહી સફાઈ કરવામાં આવે અને આ ગ્રાઉન્ડ પર નિયમિત સફાઈ રાખવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...