પોરબંદરના દરિયામાં માલ ભરીને જઇ રહેલી એક બોટ એક અજાણ્યા કન્ટેનર ભરેલા શીપ સાથે ટકરાતા બોટનો બુકડો બોલી ગયો હતો અને આ બોટ દરિયાના પાણીમાં ડૂબી જતા આ બોટમાં ભરેલા માલ સહિત આશરે રૂપિયા 20 થી 25 લાખનું નુકસાન થયાનો અંદાજ છે. જો કે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી.
સમુદ્રમાં ઘટેલા આ અકસ્માતની પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના દરિયામાં 57 નોટીકલ માઇલ દૂર નરેશભાઈ છનાભાઇ બારૈયાની માલિકીની ધનપ્રસાદ નામની બોટ રજી. નં. IND-GJ-14-MM-1984 માં સામાન ભરીને ગત તા. 19 ડિસેમ્બરના રોજ જતા હતા ત્યારે મધદરિયે એક કન્ટેનર ભરેલી શીપ સાથે તેમની બોટનો અકસ્માત સર્જાયો હતો અને તેમની બોટ સંપૂર્ણપણે તૂટી ગઇ હતી.
પરિણામે બોટ સમુદ્રમાં ડૂબી ગઇ હતી. આ અકસ્માતને લીધે બોટમાં આશરે રૂપિયા 20 થી 25 લાખ જેટલું નુકસાન થયાનો અંદાજ છે. જો કે આ અકસ્માતમાં કોઇ જાનહાની થયાનું માલુમ પડેલ નથી. આ અંગે નવીબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શીપના ચાલક સામે ગુન્હો નોંધીને વધુ તપાસ નવીબંદર પોલીસ સ્ટેશનના PSI જી. પી. જાડેજાએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.