તપાસનો ધમધમાટ શરૂ:પોરબંદરના રાણાવાવ નજીક બીલગંગા નદીના પુલ પાસે ત્યજેલું નવજાત શિશુ મળ્યું, આબરૂની બીકે બાળકને ત્યજ્યું હોવાની આશંકા

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ત્યજી દેવાયેલા બાળકની તસવીર - Divya Bhaskar
ત્યજી દેવાયેલા બાળકની તસવીર
  • નવજાત શિશુ બાળક છે, કોઈએ આબરૂની બીકે બાળકને રાત્રીના સમયે ત્યજી દીધું હોવાનું માની લઇ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો

રાણાવાવ નજીક બીલગંગા નદીના પુલ પરના રસ્તેથી એક નવજાત શિશુ મળી આવ્યું, નવજાત શિશુ બાળક છે. કોઈએ આબરૂની બીકે બાળકને રાત્રીના સમયે ત્યજી દીધું હોવાનું માની પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

રાતે બાળકને ત્યજીને ફરાર
હનુમાન ગઢથી રાણાવાવ તરફ આવતા બીલગંગા નદીના પુલ પર ગઈકાલે રાત્રીના દોઢેક વાગ્યાના સમયે રસ્તા પર એક નવજાત બાળક કોઈએ ત્યજી દીધું હતું. અહીંથી પસાર થનાર ટ્રેકટર ચાલકને ધ્યાને આવતા તેણે જીઆરડીને જાણ કરી હતી. બાદ રાણાવાવ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ નવજાત શિશુનો કબજો લીધો હતો અને પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલ ખાતે બાળકની સંભાળ માટે દાખલ કર્યું હતું. આ અંગે જીઆરડી મયુર નારણભાઇ વેગડાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
આ નવજાત શિશુ દીકરો છે. સામાન્ય સંજોગોમાં દીકરી પસંદ ન હોવાથી નવજાત દીકરીને ત્યજી દેવામાં આવતી હોવાના બનાવો સામે આવે છે ત્યારે આ નવજાત શિશુ દીકરો છે. ત્યારે પોલીસ એવું માની રહી છે કે, કોઈ સગીરા કે યુવતી કુંવારી માતા બની હશે અને પોતાની આબરૂ બચાવવા આ બાળકને ત્યજી દીધું હશે. રસ્તા પર મોડી રાત્રે નવજાત બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવતા ભારે ચકચાર જાગી છે.

નવજાત શિશુને કેર માટે જામનગર લઈ ગયા
બીલગંગા નદીના પુલ પર રસ્તા વચ્ચે ત્યજી દેનાર નવજાત બાળકને પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને બાદ આ શિશુની વધુ સારસંભાળ માટે જામનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યું હતું.
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 નવજાત શિશુઓ મળી આવ્યા
પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 નવજાત મળી આવ્યા હતા જેમાં 2014, 2015, 2019 અને 2021મા નવજાત શિશુઓ ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવ્યા હતા. તેમ અધિકારીઓએ જણાવ્યું છે.

દેશમાં 5000 લોકો બાળકોને દત્તક લેવા વેઇટિંગમાં છે
નિવૃત થયેલ બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે આવા બાળકોની ઓનલાઈન ડિટેઇલ હોય છે અને જે નિ: સંતાન દંપતીઓ છે અને બાળકોને દત્તક લેવા માંગતા હોય તેઓ એપ્લિકેશન કરે છે. ભારતમાં દત્તક લેવા ઇરછતા 5000 વાલીઓ વેઇટિંગમાં છે.

ત્યજાયેલ બાળકનું શું થશે?
બાળ સુરક્ષા અધિકારી એ જણાવ્યું હતું કે, ત્યજાયેલ શિશુના માતાપિતાને શોધવા પોલીસ તપાસ કરશે. અને 60 દિવસ સુધી શોધશે. જો માતાપિતા નહિ મળે તો પોલીસ NOC આપશે. બાદ બાળકને દત્તક આપવાની લીગલી કાર્યવાહી થશે.

ઘરે ડિલિવરી કરી હશે : પીએસઆઇ
બીલગંગા નદીના પુલ પરથી રસ્તા વચ્ચે નવજાત શિશુ મળી આવ્યું છે. આ શિશુની ઘરેજ ડિલિવરી કરાવી હશે. શિશુની માતાએ રજિસ્ટ્રેશન કરાવેલ નથી. આમતો ગ્રામ્ય વિસ્તારોમાં આશા વર્કર પણ જતી હોય છે. પણ આબરૂ જવાના ડરથી છુપી રીતે ઘરે ડિલિવરી કરાવી હશે. > પી.ડી. જાદવ, પીએસઆઇ, રાણાવાવ

પોલીસે કઈ દિશામાં તપાસ હાથ ધરી
રાણાવાવ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને જો આ નવજાત શિશુને જન્મ આપનાર માતા સગીરા હશે તો આ દુસકર્મ કરનાર યુવાન સામે પોકસો સહિતની કલમ ઉમેરી ગુન્હો દાખલ કરાશે અને જો આ શિશુને જન્મ આપનાર પુખ્ત વયની યુવતી હશે તો તે અને તેના માતા પિતા સામે કાર્યવાહી કરવામાં આવશે. જવલ્લે જ બનેકે દીકરો ત્યજી દે. જેથી બાતમી દારો, આશા વર્કરને પૂછવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.

એજ્યુકેશનનો અભાવ : ચાઈલ્ડ વેલફર કમિટી મેમ્બર
કુંવારી માતાએ જન્મ દીધો હોય અને સમાજની બીકે શિશુને ત્યજી દીધું હોય તેવું બની શકે. દીકરીઓને આ અંગેનું જ્ઞાન આપવું જોઈએ. સમાજમાં એજ્યુકેશન જરૂરી છે. સગીરાને ભોળવી, છેતરીને પણ આવું કૃત્ય થતું હોય. જેથી દીકરીઓને આ અંગેનું જ્ઞાન આપવું જરૂરી છે. અજ્ઞાનતાનો ભોગ બાળક બન્યું છે. આવા કિસ્સા સમાજમાં ન બને તેના માટે અવેરનેસ જરૂરી છે. >ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા ચાઈલ્ડ વેલ્ફેર કમિટી મેમ્બર, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...