આક્ષેપ:લેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત પદાધિકારીઓ અને મોટા માથાઓ સામે પણ કાર્યવાહી કરો

પોરબંદર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેન્ડ ગ્રેબીંગ એકટનો ઉપયોગ માત્ર સામાન્ય વ્યક્તિઓ માટે જ કરાતો હોવાનો આક્ષેપ
  • કામદારો વિરૂદ્ધ સરકારી કાર્યવાહી કરાશે તો ઉચ્ચ કક્ષાએ લડત આપવાની ચિમકી

પોરબંદર શહેરમાં એચએમપી કોલોનીના કવાટર્સમાં રહેતા કામદારોને અનધિકૃત રીતે કબ્જો કર્યો હોવાનું જણાવી લેન્ડ ગ્રેબીંગ એકટની ચીમકી આપવામાં આવેલ છે. તે અંગે કોંગ્રેસ અગ્રણીએ આક્ષેપ કર્યો છે કે સરકાર આવા સામાન્ય માણસોને ચીમકી આપે છે પરંતુ મોટા માથાઓ તથા પદાધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવભાઇ મોઢવાડિયા દ્વારા વહીવટીતંત્રની બેધારી નીતિ સામે આક્રોશ ઠાલવી રજૂઆત કરવામાં આવી છે કે પોરબંદરમાં વર્ષોથી એચએમપી કોલોનીમાં રહેતા ફેકટરીના કામદારો કવાટર્સમાં વસવાટ કરે છે.

તેમને તેના પરિવારોને સટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અને એડીશનલ મામલતદાર કચેરીએ નોટીસ પાઠવી છે. પોરબંદરની એસીસી સીમેન્ટની જમીનમાં આવેલ કવાટર્સની જમીન સરકારી રેકર્ડમાં સરકાર હસ્તકની છે. જેના પર તેમનો કબજો કરાયો છે અને 7 દિવસમાં ખાલી નહીં કરાય તો લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા ચીમકી અપાઇ છે. રામદેવભાઇએ જણાવ્યું હતું કે ફેકટરી બંધ થવાથી બેરોજગાર બનેલા કામદારોને વળતર આપવાને બદલે કામદારોને બેઘર કરવાની હીલચાલ કરાય છે. ફેકટરી સરકારની પરવાનગી વગર બંધ કરાઇ હતી.

જયાં સુધી કંપની કાયદેસર બંધ ન થાય ત્યાં સુધી પગાર સહિતનો હક્ક હિસ્સો ચુકવવાનો થાય છે પરંતુ કંપનીએ ચુકવણુ કર્યું નથી. કંપનીએ 100 કરોડથી વધુની રકમ ચૂકવવાની બાકી છે છતાં કામદારોને બેઘર કરવા માટે સરકારે જે નિર્ણય લીધો છે તે વ્યાજબી નથી. જો આ કામદારો વિરુદ્ધ સરકારી કાર્યવાહી કરશે તો તેમની સાથે રહીને ઉચ્ચ કક્ષાએ લડત આપવાની રામદેવ મોઢવાડિયાએ ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...