રજુઆત:પોરબંદરમાં મોડી રાત્રી સુધી ખાણી-પીણી ચા-નાસ્તાની હોટલ રેસ્ટોરન્ટ, રેકડી કેબીનો ચાલુ રાખવા મંજૂરી આપો

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં મોડી રાત્રી સુધી ખાણી-પીણી ચા-નાસ્તાની હોટલ રેસ્ટોરન્ટ, રેકડી કેબીનો ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવે તેવી રેકડી કેબિન એસો.દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે. છેલ્લા અઢી વર્ષ કરતા વધુ સમયથી કોરોના કાળના સમયગાળા દરમ્યાન નાના ધંધાર્થીઓ રોજીરોટી માટે વલખા મારે છે અને ઘણા નાના રેકડી ધારકો પાયમાલ સ્થિતિએ પહોંચી ગયેલ છે. હાલની પરિસ્થિતિ અને અસહય મોઘવારીને જોતા કોઈ નાના વેપારી કે રેકડી ધારકોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.

સરકારની કોરોના કાળ પહેલા યોજના હતી કે યાત્રા ધામોના શહેરો તથા નાના-મોટા શહેરમાં ખાણીપીણીની હોટલ રેસ્ટોરન્ટ તથા રેકડી-કેબીન ધારકોને મધ્યરાત્રી સુધી ખુલ્લી રાખવા જાહેરાત પણ કરેલી. પરંતુ કોરોના કાળ આવતા લોક ડાઉન જેવી સ્થિતિ ઉભી થઈ અને રેસ્ટોરન્ટ હોટલ અને ખાણી પીણીના રેકડી ધારકોની સ્થિતિ કફોડી બની છે. ગાંધીજીનું જન્મસ્થળ અને સુદામાજીના મંદિર ખાતે અનેક યાત્રાળુઓ પોરબંદર આવે છે.

પોલીસ દ્વારા રાત્રે 11 થી 11:30ના વચગાળા દરમ્યાન ખુબજ સખ્તાઇ પુર્વક રેસ્ટોરન્ટ હોટલ અને ખાણીપીણીની રેકડીઓ બંધ કરાવે છે, અને ક્યારેક ક્યારેક તો રેકડી ધારકોને પોતાનો સર-સામાન સંકેલવાનો પણ સમય આપતી નથી અને જેમ ફાવે તેમ શબ્દપ્રયોગ કરી પોલીસ સખ્તાઇ પુર્વક ગામ સંદતર બંધ કરાવી દે છે.

પોરબંદરમાં ભારત દેશના દરેક રાજયોમાંથી યાત્રિકો દર્શનાર્થે આવતા હોય છે. પોરબંદરમાં રાત્રી રોકાણ કરતા હોય છે. અને રાત્રી રોકાણ દરમ્યાન પ્રાથમિક જરૂરીયાત ખાણી-પીણી ખુબજ મહત્વનું હોય છે. જે નહી મળવાથી પોરબંદરની ખરાબ છાપ લઈ નિરાશ થઈ આ દર્શનાર્થીઓ પોરબંદર છોડી જાય છે. આથી ખાણીપીણીના વેપારી ધારકોને મોડી રાત સુધી ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવે તેવી રેકડી કેબિન એસોસીએશનના આગેવાન પ્રકાશભાઈ ઉનડકટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...