પોરબંદરના મુખ્ય સ્મશાનભૂમિમાં બાવળના મોટા લાકડાનો જથ્થો ખાલી થયો છે. ગઈકાલે શનિવારે એક પરિવાર મૃતદેહના અંતિમ સંસ્કાર માટે આવ્યા ત્યારે બાવળના લાકડા બહારથી ખરીદીને લાવો તેવું સંચાલકોએ કહી દીધું હોવાનો મૃતકના સ્નેહીનો આક્ષેપ કર્યો છે. મૃતદેહને લાકડાને બદલે ભઠ્ઠીમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લાકડા, છાણા, ઘાસ રાખવાનો ગોડાઉન પણ જર્જરિત બન્યો છે. પોરબંદરના ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર સામે આવેલ મુખ્ય સ્મશાનભૂમિ ખાતે બાવળના લાકડાનો જથ્થો ખાલી થઈ ગયો છે.
સ્મશાનભૂમિ ખાતે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વિધુત ભઠ્ઠીની સુવિધા છે આ સાથે મૃતદેહને લાકડા વડે અગ્નિદાહ આપવા માટેની પણ વ્યવસ્થા છે. સમાજમાં એવા પણ પરિવારો છે જે પોતાના સ્વજનના મૃતદેહને વિધુત ભઠ્ઠીમાં નહિ પણ લાકડા વડે જ અગ્નિ સંસ્કાર આપે છે.
લાકડા વડે અગ્નિ સંસ્કાર આપવામાં આવે તેવી પરંપરા અને માન્યતા પણ રહેલી છે અને લાકડા વડે જ અગ્નિ દાહ આપવામાં આવે તેવી પરંપરા અને માન્યતાને કેટલાક સમાજના પરિવારોએ જાળવી રાખી છે, હાલ બાવળના લાકડા સ્મશાનભૂમિ ખાતે ખાલી થયા છે. નાના બાવળના લાકડા છે જે એક મૃતદેહને અગ્નિદાહ આપવા માટે પૂરતા કહી શકાય નહીં. ગઈકાલે ખાવરવાવાડ વિસ્તાર માંથી એક પરિવારના સ્વજનનું મૃત્યુ થતા તેઓ મૃતદેહને અગ્નિ દાહ આપવા સ્મશાનભૂમિ ખાતે આવ્યા હતા.
મૃતકના પરિવારજનોએ પરંપરા મુજબ મૃતદેહને લાકડા વડે અગ્નિદાહ આપવાનું જણાવી લાકડા લેવા પહોંચ્યા ત્યારે સંચાલકોએ બાવળના લાકડાનો જથ્થો નથી. વેચાતા લઈને આવો તેવો જવાબ આપ્યો હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતુંકે, આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પરંપરા અને માન્યતા ને નેવે મૂકી આખરે પોતાના સ્વજનના મૃતદેહને વિધુત ભઠ્ઠીમા અગ્નિ સંસ્કાર આપ્યા હતા.
આ ઉપરાંત લાકડા, છાણા, ઘાસનો જથ્થો રાખવા માટેનો ગોડાઉન લાંબા સમયથી જર્જરિત થયો છે. ગોડાઉનની દીવાલ પર મસમોટી તિરાડ પડી છે અને છત પર ઠેરઠેર ગાબડા પડી ગયા છે અને લોખંડ નજરે ચડે છે. ચોમાસા દરમ્યાન છત માંથી વરસાદી પાણી ટપકે છે જેને કારણે લાકડા સહિતની ચીજોને નુકશાન પહોંચે છે. પાલિકા દ્વારા સ્મશાનભૂમિમાં સુવિધા માટેનુંબજેટ ફાળવવામાં આવે છે પણ હજુસુધી જર્જરિત ગોડાઉનનું સમારકામ થયુ નથી.
બાવળ સિવાયના અન્ય વૃક્ષના લાકડાનો જથ્થો પૂરો થવાને આરે
મુખ્યત્વે બાવળના લાકડાનો જ અગ્નિદાહમાં ઉપીયોગ થાય છે. સ્મશાનભૂમિ ખાતે બાવળના લાકડાનો જથ્થો ખાલી છે. સંચાલકોએ જણાવ્યું હતુંકે અન્ય વૃક્ષના લાકડા છે પરંતુ તેનો ઉપીયોગ કોઈ કરતું નથી અને બાવળ સિવાયના અન્ય વૃક્ષોના લાકડા પણ હાલ પૂર્ણ થવાના આરે છે.
લાકડાના વેપારીએ ભાવ વધારો કરર્યો
સ્મશાનભૂમિના સંચાલકોએ એવું જણાવ્યું હતુંકે, પાલિકા દ્વારા દર વર્ષે લાકડા માટેનું ટેન્ડર મુકવામાં આવે છે. એક વેપારી 100 રૂપિયા મણ મુજબ લાકડાનો જથ્થો પૂરો પડતો હતો. આ વખતે એ વેપારીએ ટેન્ડર ભર્યું નથી અને ભાવ મણના 115 કર્યા છે જેથી ભાવ વધારા અંગેનું બિલ આપ્યું છે જે મંજૂરી માટે પાલિકા તંત્રને આપ્યું છે. મંજૂરી મળશે ત્યારે બાવળના લાકડાનો જથ્થો આવશે.
ગત વર્ષે વરસાદી પાણી પડતા સામાનને નુકસાન થયું હતું
સ્મશાનભૂમિના સંચાલકોએ જણાવ્યું હતું કે, ગોડાઉન જર્જરિત હોવા અંગે લેખિતમાં તંત્રને જાણ કરીએ છીએ, પરંતુ સમારકામ ન થતા ગતવર્ષે ચોમાસામાં છત પરથી વરસાદી પાણી પડતા લાકડા સહિતના સામાન પર પાણી આવતા નુકશાન થયું હતું.
શું કહે છે સંચાલક?
બાવળ સિવાયના અન્ય વૃક્ષોના લાકડા હતા. મૃતકના સ્વજનોએ બાવળના લાકડાનો ઉપીયોગ કરવા આગ્રહ રાખ્યો હતો. જે ન હોવાથી આખરે મૃતકના સ્વજનોએ વિધુત ભઠ્ઠી દ્વારા મૃતદેહને અગ્નિદાહ આપવાનો નિર્ણય કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.