દશામાંની પ્રતિમાઓની આ દશા!:વ્રત બાદ પીઓપીની પ્રતિમા દરિયા કાંઠે ખંડિત જોવા મળી

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીઓપીની પ્રતિમાના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં વેચાણ થયું, તંત્ર દ્વારા કાર્યવાહી નહિ

પોરબંદરના ચોપાટી દરિયા કિનારે દશામાંની પ્રતિમાઓ ખંડિત થયેલી અવસ્થામાં જોવા મળી રહી છે. પીઓપીની પ્રતિમાના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ વેચાણ થયું હતું. ભાવિકોએ આસ્થાભેર દશામાનું વ્રત રાખ્યું હતું. દશામાંના વ્રત દરમ્યાન માતાજીની પ્રતિમાનું પૂજન કરી, વ્રત કરી અને બાદ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે.]

હાલ પોરબંદરની ચોપટીના દરિયા કિનારે દશામાંની પ્રતિમાઓ ઠેરઠેર ફેલાયેલી નજરે ચડે છે. આ માતાજીની પ્રતિમાઓ ખંડિત અવસ્થામાં ફેલાયેલ છે જે જોઈને સૌ કોઈ સ્તબ્ધ થયા હતા. દશામાંના પૂજનમા કેટલાક શ્રદ્ધાળુઓએ પીઓપીની પ્રતિમાની ખરીદી કરી હતી. પીઓપીની પ્રતિમાઓ બજારમાં ખુલ્લેઆમ વેચાતી હતી. પીઓપીની પ્રતિમાના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

માટીની પ્રતિમા પાણીમાં સમાઈ જાય છે અને પ્રદુષણ થતું નથી. જ્યારે પીઓપીની પ્રતિમા પાણીમાં મિક્ષ થતી નથી. જેથી આ પ્રતિમાઓ ખંડિત અવસ્થામાં ચોપટીના દરિયા કિનારે રઝળતી જોવા મળે છે. કેટલાક આસ્થા ધરાવતા લોકોએ જણાવ્યું હતુંકે, દશામાંની આ દશા જોઈને ખૂબ દુઃખ થાય છે. લોકો શ્રદ્ધા રૂપી માતાજીનું સ્થાપન કરે છે અને પૂજન વ્રત તપ કરીને પ્રતિમાનું વિસર્જન કરે છે.

આ ધાર્મિક પ્રક્રિયા કરવી એ સારી વાત છે પરંતુ પીઓપીની પ્રતિમા દરિયામાં વિસર્જિત થતી નથી અને બહાર ખંડિત થઈ જાય છે. અહીં ખંડિત પ્રતિમાઓ લોકોના પગમાં આવે છે, શ્વાનો આવતા હોય છે. આવી સ્થિતિમાં ધાર્મિક લાગણી સંતોષાતી ન હોય જેથી તંત્ર દ્વારા પીઓપી પરના પ્રતિબંધની પૂરતી અમલવારી થવી જોઈએ. આવનારા ગણેશ ઉત્સવમાં પણ પીઓપીની પ્રતિમા અંગે પ્રતિબંધનું ચુસ્તપણે પાલન થાય તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...