મેઘમહેર:વરસાદને પગલે પોરબંદરમાં ઠેરઠેર પાણી ભરાયા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરડિ પ્લોટ વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા, ગટરો જામ થઈ

પોરબંદરમાં ગઈકાલ રાતથી વરસાદ વરસી રહ્યો હતો. વરસાદને પગલે શહેરમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. વિરડિપ્લોટ વિસ્તારમાં રહેમાની મસ્જિદ સામે ગાત્રાળ માતાજીના મંદિર સામે ગોઠણડૂબ પાણી ભરાયા હતા. રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો. કેટલાક ઘરોમાં પાણી ભરાયા હતા તો કેટલાક સ્થાનિકોની ડેલીમાં પાણી ઘુસી ગયા હતા. આ વિસ્તારમાં એક મકાનમાં રસોડા સુધી પાણી ઘૂસી ગયા હતા અને પાણી વચ્ચે બહેનોએ રસોઈ બનાવી હતી. રસોડા અને ડેલીમાં વરસાદી પાણી ઘુસી જતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.

અહીંના સ્થાનિકોએ જણાવ્યું હતુંકે, આ વિસ્તારમાં રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી. જેથી બિસ્માર રોડ છે અને ભૂગર્ભ ગટર જામ થઈ ગઈ છે. દર ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાઈ જાય છે. એક મકાનની ડેલીમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા.

સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતુંકે, રાત્રીના અઢી વાગ્યાના અરસામાં વિરડિપ્લોટ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા જેનેકારણે ઘરના સભ્યો ઘરવખરી બચાવવા પ્રયાસ કરતા હતા અને વરસાદી પાણીનો ઉલેચવામાં રાત વિતાવી હતી. રસોડા અને ડેલી સુધી વરસાદી પાણી ઓસરતું ન હતું. રસ્તો પાણીમાં ગરકાવ હોવાથી અહીંથી વાહનો પસાર થતા જ પાણી ઘરમાં આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભૂગર્ભ ગટર જામ થતા છલકાઈ જતા ગટરનું ગંદુ પાણી વરસાદી પાણી સાથે ભળી ગયું છે.

મેન્યુઅલી ગટરની બદતર હાલત
વિરડિપ્લોટ વિસ્તારમાં પાછળ મેન્યુઅલી ગટર આવેલ છે. આ ગટર ચાલુ છે પરંતુ આ ગટરમાં છેક સુધી કચરો નજરે ચડે છે. ઠસોઠસ કચરો અને ગંદકીના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી.

વિવિધ વિસ્તારોમાં પાણી પાણી
ભૂગર્ભ ગટર ની કામગીરી બાદ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યુ છે ત્યારે શહેરમાં જે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે તે સ્થળોએ પણ પાણી ભરાયા છે. છાયાચોકી સુધીનો રસ્તો, સુદામા ચોક સામે જૂની કોર્ટ નજીક, ખારવાવાડ, કડીયાપ્લોટ, રસ્તા નજીકના નીચાણ વાળા ભાગોમાં વરસાદી પાણી ભરાયા છે. જેથી સ્થાનિકો, વાહન ચાલકો અને વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...