દુકાનોની હરરાજી:પોરબંદરમાં દાયકા બાદ આખરે પેરેડાઈઝ વિસ્તારની શોપીંગ માર્કેટની દુકાનોની હરરાજીનું સ્વપ્ન સાકાર થશે

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેર હરરાજી કરવામાં આવશે, દુકાનનું માસિક ભાડું રૂ. 10, 588 થી માંડીને રૂ. 27,102 સુધી જાહેર કરાયું

પોરબંદરમાં દાયકાથી પણ વધુ સમય બાદ પેરેડાઈઝ પાસેની શોપિંગ માર્કેટની દુકાનોની હરરાજીનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. દુકાનોની ભાડાપેટે જાહેર હરરાજી કરવામાં આવશે. દુકાનનું માસિક ભાડું રૂ. 10, 588 થી માંડીને રૂ. 27,102 સુધી જાહેર કરાયું છે જેમાં જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે. ટોકન દરે ભાડું રાખવામાં આવે તેવી સામાજિક કાર્યકરે માંગ કરી છે. પોરબંદરમાં દાયકાથી પણ વધુ સમયથી પેરેડાઈઝ પાસે સુપર માર્કેટ બનાવવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી આ માર્કેટની તમામ 60 જેટલી દુકાનોની હરરાજી કરી ફાળવવામાં આવી ન હોવાથી આ માર્કેટ જર્જરિત થઇ જતા ફરીથી સમારકામ કરવામાં આવ્યું છે.

તંત્રએ આખરે જાહેર કર્યું છેકે, 60 જેટલી દુકાનો 9 વર્ષના ભાડા કરારથી પાઘડી લઈને આપવાની છે. અનેક વેપારીઓ આ વિગત જોવા માટે પાલિકા કચેરીએ પહોંચી ગયા હતા. મહત્વની વાત એ છેકે, એક દુકાનનું માસિક ભાડું રૂ. 10w,588 થી માંડીને વધુમાં વધુ ભાડું રૂ. 27,102 રાખવામાં આવ્યું છે. આ ભાડા પર જીએસટી અલગ રાખવામાં આવ્યો છે તેમજ ડિપોઝિટ પેટે ઓછામાં ઓછાં રૂ. 3 લાખ અને વધુમાં વધુ રૂ. 6 લાખ અપસેટ પ્રાઇઝ રાખવામાં આવી છે.

દુકાનોની સાઈઝ તેમજ અંદર બહારના ભાગની દુકાનો આધારે ભાવો અને ડિપોઝિટ નક્કી કરવામાં આવી છે. પાલિકા તંત્રએ જણાવ્યું હતુંકે, આ ભાવ માર્ગ અને મકાન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ ભાવો જાણીને સામાજિક કાર્યકર રામભાઈ કોડિયાતરે માંગ કરી છેકે, ટોકન દરે ભાડું રાખવું જોઈએ. આવા ભાવ નાના વર્ગના વેપારીઓને પોસાઈ તેમ નથી. ભાડું ઉપરાંત જીએસટી અને વીજળી બિલ તેમજ પગાર અને અન્ય ખર્ચનો હિસાબ કરે તો આ ભાડામાં નુકશાની થઈ શકે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓને પરવડે તેવા માસિક ભાડાથી દુકાનો આપવી જોઈએ જેથી તેઓ પોતાની રોજીરોટી મેળવી શકે.

અન્ય સમાચારો પણ છે...