પરીક્ષા:ગુજરાત પંચાયત સેવા મંડળ ગાંધીનગર દ્વારા વહીવટ અને હિસાબ સંવર્ગ પરીક્ષાનું આયોજન

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં 35 કેન્દ્ર પર 10470 ઉમેદવારો પરીક્ષા આપશે

ગુજરાત પંચાયત સેવા મંડળ ગાંધીનગર દ્વારા આગામી તા. 29 જાન્યુઆરી 2023 નાં રોજ રવિવારે સવારે જુનીયર કલાર્ક- વહીવટ અને હિસાબ સંવર્ગ પરીક્ષાનું આયોજન થયેલ છે. આ પરીક્ષા પોરબંદર જિલ્લામાં 35 કેન્દ્ર ઉપર લેવામાં આવનાર છે અને 10470 ઉમેદવારો પોરબંદર જિલ્લાનાં કેન્દ્રો ઉપરથી પરીક્ષા આપશે. પોરબંદર જિલ્લા ખાતે સમગ્ર પરીક્ષાની દેખરેખ તથા આયોજન ચિફ ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા વિકાસ અધિકારી પોરબંદર સંભાળી રહ્યા છે. આ પરીક્ષાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણતાને આરે છે.

પરીક્ષામાં જિલ્લા કક્ષાના વર્ગ-1, વર્ગ -2 અને વર્ગ -3 નાં તમામ અધિકારી-કર્મચારીઓને અલગ-અલગ ફરજ આપવામાં આવેલી છે જેમાં પરીક્ષા કેન્દ્રો ઉપર માઇક્રો ઓબઝર્વર, મંડળનાં પ્રતિનિધી અને કેન્દ્ર નિયામકની ખાસ ટીમ હાજર રહેશે. તેમજ પરીક્ષાનાં પેપરો તથા જવાબવહી તેમજ અન્ય પરીક્ષાને લગત સાહિત્ય લઇ જવા તથા લાવવા માટે રૂટ સુપરવાઇઝરની નિમણૂંક કરવામાં આવેલી છે. આ રૂટ સુપરવાઇઝર સાથે હથિયારધારી પોલીસ તથા વિડીયોગ્રાફર રહેશે. તેમજ ફ્લાઇંગ સ્કોડ, નોડલ ઓફીસર, ઓબઝર્વરની નિમણૂંક કરવામાં આવેલી છે.

આ યોજાનાર પરીક્ષામાં કોઇપણ જાતની ગેરરીતી ન થાય તે માટે તંત્ર દ્વારા ખાસ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવેલ છે જેનાં હેલ્પલાઇન નં. 0287-2241688 છે. જે પરીક્ષામાં બેસનાર ઉમેદવારો માટે ખાસ સૂચના બહાર પાડવામાં આવે છે. જેમા ઉમેદવારોએ તેમને ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર ઉપર સવારે 9 વાગ્યે રીપોર્ટીંગ કરવાનું રહેશે અને 9:30 કલાકે પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ આપવામાં આવશે, પરીક્ષા ખંડમાં ઉપસ્થિત થવા માટે ઉમેદવારે OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલ કોલ લેટર કમ પ્રવેશ પત્ર માં પોતાનો કલર ફોટો ચોંટાડી સાથે અચુક લાવવાનો રહેશે.

ઓનલાઇન અરજીમાં જેવો ફોટો અપલોડ કરેલ હોય તદ્દન તેવો જ ફોટો હાજરીપત્રકમાં ચોંટાડવો ફરજીયાત છે, ઉમેદવારની ઓળખ માટે કોઇપણ એક ફોટો ઓળખ પત્ર અસલમાં સાથે રાખવાનું રહેશે. કોઇપણ પુસ્તક, કાગળ, સાહિત્ય, સ્માર્ટવોચ, મોબાઇલ, કેલક્યુલેટર, બ્લયુટુથ, ઇયરફોન, વિગેરે જેવા કોઇપણ વિજાણું સાધનો રાખવા નહી.ઉમેદવારોનું પોલીસ વિભાગ દ્વારા ખાસ ફ્રિસ્કીંગ કરવામાં આવશે. જેમાં મહિલા ઉમેદવારો માટે મહિલા પોલીસ તેમજ મહિલા સ્ટાફ ફ્રિસ્કીંગ માટે રાખવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...