રાણાવાવમાં રહેતા અને પસવારી ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા યુવાનની પત્ની આત્મ હત્યા કરી લેતા તલાટીના સાસરા પક્ષ દ્વારા તલાટી સામે ફરિયાદ કરવામાં આવતા હાલ તલાટી જેલ હવાલે છે ત્યારે નિયમ મુજબ જિલ્લા પંચાયત દ્વારા આ તલાટી સામે શિસ્તભંગના પગલાં લેવા કાર્યવાહી શરૂ કરી છે. રાણાવાવના ગોપાલપરા વાડી વિસ્તારમાં રહેતા અને પસવારી ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મુકેશ માવજી ચૌહાણની પત્ની ખુશ્બુબેને એસિડ પી લેતા સારવાર દરમ્યાન ખુશ્બુબેનનું મૃત્યુ થયું હતું.
જ્યારે આ તલાટીના સાસરાપક્ષે તલાટી મુકેશ અને તેના માતા પિતા વિરૂદ્ધ ફરિયાદ કરી હતી જેમાં ખુશ્બુના પતિ મુકેશ અને ખુશ્બુના સાસુ સસરા ખુશ્બૂને ઘરકામ કરવા બાબતે શંકા કુશંકા રાખી મ્હેણાં ટોણા મારી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપી ખુશ્બૂને મરવા મજબુર કરી હતી. આ ફરિયાદને પગલે પોલીસે તલાટી કમ મંત્રીને તા. 3/1 ના રોજ અટકાયત કરેલ હતી અને હાલ તે જેલ હવાલે છે ત્યારે જિલ્લા પંચાયત દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયતના અધિકારીએ જણાવ્યું હતુંકે, જિલ્લા પંચાયતમાં નિમણુંક શરતોને આધીન કાર્યવાહી કરવામાં આવી છે.
આ તલાટી મંત્રી ફિક્સ પગાર વાળા હતા અને 48 કલાકની કસ્ટડી થાય તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે જેથી આ તલાટી સામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નોટીશ ફટકારવામાં આવશે અને બાદ તલાટીની સેવાનો અંત લાવવા કાર્યવાહી કરવામાં આવશે તેવુ જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.