પોરબંદરમાં બે બિલ્ડિંગોને સીલ મરાયા:ફાયર એનઓસી વિહોણી બહુમાળી બિલ્ડીંગો વિરુદ્ધ કાર્યવાહી; ફાયર એનઓસી વગરની 119 બિલ્ડીંગોને અપાઇ નોટિસ

પોરબંદરએક મહિનો પહેલા

રાજ્યમા ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર એનઓસી વિહોણી બહુમાળી બિલ્ડીંગો વિરુદ્ધ ફરી એક વખત કાર્યવાહી હાથ ધરવામા આવી છે. ત્યારે પોરબંદર શહેરમાં આવેલ બે સ્થળો પર બહુમાળી ઈમારતોને પાલિકા દ્વારા સીલ કરી દેવામા આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ પીપીઆઈએલ અન્વયે ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીના સાધનો વગરની હાઈરાઈઝ બિલ્ડીંગો પર રીજીયોનલ ફાયર ઓફિસર રાજકોટના આદેશને પગલે કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. પોરબંદર છાંયા નગરપાલિકા વિસ્તારમાં ફાયર એનઓસી ન હોય અને ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવી 15 મીટર કરતા વધારેની બહુમાળી ઈમારતો પર સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

પાલિકા દ્વારા શહેરના કમલાબાગ વિસ્તારમા આવેલ શ્રીજી ટાવર અને વાડીપ્લોટ વિસ્તારમાં આવેલ વિવેકાનંદ એપાર્ટમેન્ટ પર કાર્યવાહી કરી સીલ કરવામા આવી હતી. જ્યારે આગામી દિવસોમા પણ આવી બહુમાળી ઈમારતોને સીલ મારવાની કાર્યવાહી છે તે ચાલુ રહેશે. તેમ પોરબંદર છાયા નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફીસર રાજીવ ગોહિલે જણાવ્યુ હતુ.

કાર્યવાહી માત્ર નામની?
ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરતા કોર્પોરેશન અને પાલિકા વિસ્તારમા આવેલ 15 મીટર કરતા વધારેની ઉંચાઈ ધરાવતી બહુમાળી ઈમારતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે. ત્યારે પોરબંદર છાયા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરના બે સ્થળો પર સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. જોકે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા માત્ર કરવા ખાતર કાર્યવાહી કરવામા આવતી હોય તેમ બહુમાળી ઈમારતના રહિશોને પુછીને કયા ગેટ પર સીલ મારવુ તે નક્કી કરી અને ત્યાર બાદ માત્ર એક જ ગેટ પર સીલ મારવામા આવે છે, જ્યારે ઈમારતના અન્ય ગેટને ખુલ્લા મુકી દેવામા આવે છે. ત્યારે સવાલ એ થાય છે કે ફાયર વિભાગ આ પ્રકારની સીલ કરવાની કાર્યવાહી કરીને હાઈકાર્ટને ગુમરાહ કરી રહી છે કે શું?

પોરબંદર છાંયા નગરપાલિકા દ્વારા શહેરમા આવેલ બહુમાળી ઈમારતોને નોટીસ પાઠવીને ત્રણ દિવસનો સમય આપવામા આવ્યો છે. જેમા જણાવાયુ છે કે જે ઈમારતોમા ફાયર સેફ્ટીના સાધનો નથી. તેઓ વસાવી લે અને ત્યાર બાદ એનઓસી મેળવી લેવા માટે કડક સુચના આપવામા આવી છે. ઉલ્લેખનીય છે કે પોરબંદર છાંયા નગરપાલિકા વિસ્તારમાં ફાયર એનઓસી વગરની 119 જેટલી બહુમાળી ઈમારતો છે જેમને આખરી નોટિસ આપવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...