કોડીની કિંમત:સૂકી મચ્છી ઉદ્યોગને અસુવિધાઓનું ગ્રહણ

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારને કરોડોની કમાણી કરી આપતા ઉદ્યોગની કોડીની કિંમત: સુકી મચ્છીના દંગા સુધી પહોંચવા પાકા રસ્તા નથી

પોરબંદર અરબી સમુદ્રના કિનારે આવેલું એવું શહેર છે કે જયાં સુકી મચ્છી અને તાજી મચ્છીની મોટી માત્રામાં નિકાસ થાય છે. જેમાં સુભાષનગરથી જાવર સુધીના વિસ્તારમાં સુકીમચ્છીના અનેક દંગાઓ આવેલા છે. પરંતુ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પાયાની સવિધા આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. ત્યારે સરકારને કરોડોની હુંડીયામણ કમાવી આપતા ઉદ્યોગની કોડીની પણ કિંમત કરાતી નથી.

પોરબંદરના જાવર વિસ્તારમાં આવેલા સુકીમચ્છીના દંગા સુધી પહોંચવા માટે પાકા રસ્તાની સગવડ પણ ઉપલબ્ધ નથી. રેતીમાં બનાવાયેલા ધુંડીયા ખખડધજ રસ્તા ઉપરતી માછલીના કન્ટેનરની અવર જવર કરવામાં આવી રહી છે. માટે પાકા ડામર કે સીમેન્ટ રોડની સુવિધા હોવી ખુબ જ અનિવાર્ય છે. એટલું જ નહીં પરંતુ શહેરથી દુર આવેલા દરીયાકાંઠાના આ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટની પણ કોઈ જ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય નથી જેના કારણે એકસપોર્ટરોને મચ્છી લાવવા અને લઈ જવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે. રાત્રીના સમયે અહીંયા દંગામાં કામ કરતા મજુરોને પણ આવવા જવામાં ખુબ તકલીફ વેઠવી પડે છે.

પીવાના પાણી સહીત સાફ સફાઈ માટે પણ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ નથી એટલું જ નહીં પરંતુ સૂર્યપ્રકાશ આવી શકે તેવા શેડ પણ બનાવાયા નથી. જેથી માછલીની સુકવણીમાં પણ હેરાનગતી વેઠવી પડે છે. આમ, સરકાર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં બેદરકાર છે.

સુકવવાની અગવડતામાં વરસાદને લીધે મચ્છીમાં જીવાત પડે છે
પોરબંદરમાં આવેલ મચ્છીના ધંધામાં યોગ્ય સુવિધાનો અભાવ છે, સરકાર દ્વારા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી નથી જેથી સુકી માછલીને લાકડાના વાંસના દોરડા ઉપર સુકવતા વરસાદને લીધે મચ્છીમાં જીવાત પડે છે.
પોરબંદરથી દર વર્ષે કરોડો રૂપીયાની બુંબલા, બોમ્બે, ડોગ નામની માછલીની નિકાસ કરવામાં આવે છે. આ મચ્છી લાકડાના વાંસના દોરડા ઉપર સુકવવામાં આવે છે. વરસાદને લીધે આ મચ્છીમાં જીવાત પડી જાય છે. જેથી તેનો પુરતો ભાવ મળતો નથી.

સરકાર આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે નક્કર પગલા ભરવા માંગ ઉઠી
ખેડૂતોને ખેતરમાં પાણી ઘુસી જાય અને પાકને નુકસાન થાય તો તેનું વળતર મળતુ હોય છે પરંતુ મત્સ્ય ઉદ્યોગને આ પ્રકારનું વળતર આપવામાં આવતું નથી. તેથી પોરબંદરમાં 5 હજાર જેટલા પરીવારોને મચ્છીનો ઉદ્યોગ રોટલા પુરા પાડે છે. પરંતુ તેમના માટે સરકારની નીતી હંમેશા ઉદાસીન રહી છે. માટે રાજય અને કેન્દ્ર સરકારે આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે નક્કર પગલા ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

સ્ટ્રીટલાઈટ, પાણી કે સાફ - સફાઈની વ્યવસ્થા નથી
પોરબંદરના જાવર સહિતના વિસ્તારોમાં સૂકી મચ્છીના દંગાઓ આવેલ છે. સુભાષનગર અને જાવર વિસ્તારમાં આવેલ દંગાવોમાં સુવિધાનો અભાવ છે. ખાસ કરીને અહીં પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવતી ન હોવાના કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલ લોકો કપરી પરિસ્થિતિમાં મુકાઈ રહ્યા છે. સ્ટ્રીટલાઈટની, પાણી કે સાફ - સફાઈની વ્યવસ્થા નથી. જેથી ઘટતી પ્રાથમિક સગવડ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...