વિધાનસભા સંગ્રામ 2022:પોરબંદર અને કુતિયાણા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુતિયાણામાં કાંધલ જાડેજાએ NCP માંથી દાવેદારી નોંધાવી : કુતિયાણામાં ભાજપ, કોંગ્રેસ, એનસીપી અને આપ પક્ષ વચ્ચે ચૂંટણી જંગ

પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક માટે કુતિયાણાના સીટીંગ MLA કાંધલ જાડેજાએ આજે NCP માંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી જયારે કે જિલ્લાની પોરબંદર અને કુતિયાણા બંને વિધાનસભા બેઠકો માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી હતી.

પોરબંદર જિલ્લાની 84 કુતિયાણા વિધાનસભા બેઠક પર સીટીંગ MLA કાંધલભાઇ જાડેજાએ આજે ઉમેદવારી નોંધાવી હતી. આ વિધાનસભા પર NCP માંથી કાંધલ જાડેજાએ સતત ત્રીજી વખત પોતાની ઉમેદવારી નોંધાવી છે. અગાઉ વર્ષ 2012 અને 2017 માં યોજાયેલ કુતિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ તેણે NCP માંથી ઉમેદવારી નોંધાવી હતી અને તે બંને ચૂંટણીમાં તેમણે જ્વલંત જીત મેળવી હતી અને આ વખતે પણ તેમણે આજે પોતાના મોટી સંખ્યામાં ટેકેદારોને સાથે રાખી કુતિયાણા વિધાનસભા બેઠક માટે NCP માંથી ઉમેદવારી નોંધાવી હતી.

જયારે બીજી તરફ કુતિયાણાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીમાભાઇ દાનાભાઇ મકવાણાએ આજે પોતાના સમર્થકોની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી હતી. તો પોરબંદરમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવનભાઇ જુંગીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

શુક્રવારે પોરબંદરમાં 8 ફોર્મ અને કુતિયાણામાં 6 ફોર્મ રજૂ થયા
પોરબંદર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં 83-પોરબંદર અને 84-કુતિયાણાના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર દ્રારા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરાય રહી છે. ત્યારે આજ તા.11 નવેમ્બર સુધીમાં 83-પોરબંદર વિધાનસભા મત વિસ્તાર માટે શુક્રવારે 7 ઉમેદવારી ફોર્મ ઉ૫ડયા છે અને 8 ફોર્મ ભરાયા છે. કુલ 54 ફોર્મ ઉપડ્યા છે. તથા 84-કુતિયાણા વિધાનસભા વિસ્તાર માટે આજે ૫ ઉમેદવારી ફોર્મ ઉ૫ડ્યા છે અને 6 ફોર્મ રજૂ થયા છે. અને અત્યાર સુધીમાં કુલ 29 ફોર્મ ઉપડ્યા છે. પોરબંદર જિલ્લામાં કુલ 83 ફોર્મ ઉપડ્યા છે.

કુતિયાણા ભાજપના ઉમેદવારનું નામ હજુ પણ અધ્ધરતાલ
કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે રમેશભાઇ ઓડેદરા ચુંટણીજંગમાં ઝંપલાવશે તેવું ગઇકાલે રમેશભાઇ ઓડેદરાએ જણાવ્યું હતું પરંતુ ગઇકાલ સાંજથી લઇ આજે સાંજ સુધીમાં પણ પક્ષ દ્વારા તેમના નામની વિધિવત જાહેરાત કરાઇ ન હોવાથી કુતિયાણામાં ભાજપના ઉમેદવારની અનિશ્ચિતતા અકબંધ રહી છે.

મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
કુતિયાણા ખાતે આવેલ એસ.એમ.જાડેજા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વીપ નોડલ ઓફિસર્સના ઉપક્રમે મતદાન જાગૃતિ સંદર્ભ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 400 થી વધુ યુવા મતદારોએ મતદાન માટે શપથ લીધા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ સ્વિપ ટીમ દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ સ્વીપ કુતિયાણા તાલુકા ટિમ દ્વારા એસ.એમ.જાડેજા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંગે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી.

પોરબંદર જિલ્લાના ગોસાબારા ખાતે S.O.G. તથા મરીન પોલીસ દ્વારા સઘન કોસ્ટલ કોમ્બીંગ દરમ્યાન બોટ ચેકીંગ હાથ ધરાયું હતું. પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની સાહેબ દ્વારા રાજયમાં વિધાનસભા સામાન્ય ચુંટણી સલામત રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને પોરબંદર જિલ્લામા દરીયાઇ સુરક્ષા સુદ્રઢ બનાવવા સારૂ અને દરિયામાં થતી ગેરકાયદેસર પ્રવૃતી અટકાવવા સારૂ આંતરીક સુરક્ષાઓને ધ્યાને લઇ જરૂરી તકેદારી ભાગ રૂપે ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ. કે. શ્રીમાળી તથા નવીબંદર જી. પી. જાડેજા પો.સબ.ઇન્સ.નાઓને સુચના આપવામાં આવેલ. જે સુચના આધારે પો.ઇન્સ તથા પો.સબ.ઇન્સ તથા એસ.ઓ.જી. ટીમના તથા નવીબંદર મરીન પોલીસના માણસો દ્વારા ગોસાબારા કે જે અનઅધિકૃત ફિશ લેન્ડીંગ સેન્ટર હોય ગે.કા પ્રવૃતી ન થાય તે માટે સઘન કોમ્બીંગ કરી બોટો તથા માણસોનું ચેકિંગ કરવામાં આવેલ. સદરહું કામગીરીમાં PI એચ. કે. શ્રીમાળી, PSI જી.પી.જાડેજા નવીબંદર તથા એસ.ઓ.જી. તથા નવીબંદર પોલીસ સ્ટાફની ટીમો રોકાયેલ હતી.

અન્ય સમાચારો પણ છે...