મર્ડર:મોઢવાડામાં કુહાડીના ઘા ઝીંકી અડાવાણાના યુવાનની હત્યા, પોલીસે તપાસ હાથ ધરી; દારૂ પીવા બાબતે હત્યા નિપજાવી હોવાની આશંકા

બગવદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

અડવાણા ગામના યુવાનની મોઢવાડા ગામે હત્યા થઈ છે. કુહાડી જેવા તિક્ષણ હથિયાર વડે કોઈ શખ્સે ઢીમ ઢાળી દીધું છે. દારૂ પીવા બાબતે હત્યા નિપજાવી હોવાની આશંકા સેવાઇ રહી છે. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.બનાવની વિગત મુજબ પોરબંદર તાલુકાના અડવાણા ગામે રહેતો અરવિંદ મધાભાઈ વાધેલા નામનો 26 વર્ષીય યુવાન ગઈકાલે રવિવારે મોઢવાડા ગામે દેવીપૂજકવાસમાં ગયો હતો. ત્યાં કોઈ શખ્સો સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. અને બોલાચાલી દરમ્યાન ઝગડો શરૂ થતા ઝગડાએ ઉગ્ર સ્વરૂપ લેતા આ યુવાનનું રાત્રીના સમયે કોઈ શખ્સે કુહાડા જેવા તિક્ષણ હથિયાર માથાના ભાગે ઝીંકી દેતા આ યુવાનનું મોત નીપજ્યું હતું.

સવારના કોઈ વાહન ચાલકની નજરે આ યુવાનનો લોહી લથપથ હાલતમાં મૃતદેહ જોવા મળતા તેમણે પોલીસને જાણ કરતા બગવદર પોલીસ, ગ્રામ્ય ડીવાયએસપી, એલસીબી સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે, સ્થાનિકોના જણાવ્યા મુજબ દારૂ પીવા બાબતે બોલાચાલી થઈ હોય જેથી આ હત્યા થઈ હોવાની આશંકા સેવાઇ રહી છે. આ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ તપાસ શરૂ કરી આરોપીઓએ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

યુવાને જીવ બચાવવા બાઇક લઈને નાશી છૂટવા પ્રયાસ કરેલ
અરવિંદ વાધેલા પોતાનો જીવ બચાવવા તેમનું બાઈક લઈ અને નાસી છૂટવાની કોશિશ કરેલ હોય, જેથી તેમનું બાઈક પણ મોઢવાડા ગામના દેવીપુજકવાસની સામેની ગલીમાં પડેલું હતું અને બાઇકની સીટ સો ફૂટ અંતરે પડી ગયેલ જોવા મળેલ. આ યુવકનો મૃતદેહ દેવીપુજકવાસ ની સામેની દિશામાં કેશવ જતા રસ્તે પડેલો જોવા મળેલ હતો.

યુવાનને ત્રણ સંતાનો છે
અરવિંદ વાધેલાની હત્યા થઈ છે. અરવિંદ પરણિત હતો અને અડવાણા ગામે ખેતીવાડીમાં ભાગીયુ કરી ગુજરાન ચલાવતો હતો. અરવિંદને સંતાનમાં ત્રણ બાળકો છે જેમાં બે દીકરા અને એક દીકરી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...