અકસ્માત:પોરબંદર શહેરની નિરમા ફેકટરીનાં કામદાર ઉપર પાઇપ પડતા થયું મોત

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાઇપ ફિટિંગનું કામ કરતી વેળાએ પાઇપ માથે પડ્યો હતો

પોરબંદરની નિરમા ફેકટરીમાં એક કામદાર પાઇપ ફિટિંગનું કામ કરતા હતા તે દરમ્યાન લોખંડનો પાઇપ માથે પડતા આ કામદારનું મોત થયું હતું.

આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ યુપીના ભદોહી જિલ્લામાં રહેતા અને હાલ પોરબંદરના ઇન્દિરાનગરમાં રહેતા રાકેશકુમાર નંદલાલ જયસ્વાલ નામના 32 વર્ષીય કામદાર પોરબંદરની નિરમા કંપનીમાં ફરજ બજાવતા હતા. ગઈકાલે બપોરે આ કામદાર ફેકટરીમાં પાઇપ ફિટિંગનું કામ કરતા હતા તે દરમ્યાન મધર લિકર ટેન્ક માંથી અકસ્માતે એક લોખંડનો પાઇપ પડતા આ કામદારના માથે પડ્યો હતો. આ કામદારે હેલ્મેટ પહેર્યું હતું અને પાઇપ પડતા હેલ્મેટ તોડી પાઇપ કામદારના માથે વાગતા ગંભીર ઈંજા પહોંચી હતી.

કામદારને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે આ કામદારને મૃત જાહેર કર્યો હતો. આ કામદાર પરણિત હતો અને સંતાનમાં 1 વર્ષની પુત્રી હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે.

16 દિવસમાં 2 કામદારના મોત થયા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત. 17/9 ના રોજ નિરમા ફેકટરીમાં લોખંડનું સ્ટ્રેકર તૂટતા ઓઘડ લખુભાઈ જમોડ નામના કામદારનું મોત થયું હતું. 16 દિવસમાં 2 કામદારના મોત થતા કંપની સામે પણ સવાલ ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...